126મી રંગ જયંતિ નિમિત્તે સેંકડો પદયાત્રીઓ નારેશ્વર ધામ પહોંચ્યાઃ125 મણ અનાજનું વિતરણ
નારેશ્વર સહરિતના તમામ રંગ મંદિરોમાં ભાવભેર ઉત્સવની ઉજવણી
વડોદરાઃ નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજની આજે ૧૨૬ મી જન્મ જયંતિ નિમિત્તે નારેશ્વરમાં હજારો ભાવિકો ઉમટી પડયા હતા.જ્યારે,વડોદરા,કપડવંજ,ભરૃચ, સુરત,અમદાવાદ સહિતના અનેક રંગમંદિરોમાં પણ પૂજન-અર્ચન તેમજ સેવાકાર્યો થયા હતા.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નર્મદા કિનારે આવેલા યાત્રાધામ નારેશ્વરમાં શ્રી રંગ અવધૂતે સેવાની ધૂણી ધખાવી હતી. નર્મદા અને દત્ત સંપ્રદાયનું મહાત્મય લોકો સુધી પહોંચાડનાર શ્રી રંગ અવધૂતને ૧૨૫ વર્ષ પુરા થતાં તમામ રંગ મંદિરોમાં આખું વર્ષ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
આજે ૧૨૬ મી જન્મ જયંતિએ નારેશ્વરમાં હજારો ભક્તો ઉમટી પડયા હતા. મંદિરના આગેવાન યોગેશભાઇ વ્યાસે કહ્યું હતું કે,અનેક શહેરોમાંથી પદયાત્રીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા અને આખો દિવસ ભાવિકોનો સતત પ્રવાહ ચાલુ રહ્યો હતો.મંદિરમાં ભવ્ય રોશની અને પાદુકા પૂજન કરાયું હતું.જ્યારે જરૃરિયાતમંદોને ૧૨૫ મણ અનાજ વિતરણ કરાયું હતું.
પૂર્વ સંધ્યાએ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જ્યારે આજે સાંજે પૂ.બાપજીની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી.આ દરમિયાન સમગ્ર નારેશ્વર ભક્તોથી ઉભરાઇ ગયું હતું અને ગુરૃદેવ દત્તના નાદ ગુંજી ઉઠ્યા હતા.