વડોદરામાં જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી 224 દીવડાની મહાઆરતી થઇ
વર્લ્ડ કપની ફાઇનલ મેચ હોવા છતાં કારેલીબાગ અને સુભાનપુરામાં આવેલા જલારામ બાપાના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી
વડોદરા : શહેર અને જિલ્લામાં આજે રામ ભક્ત જલારામ બાપાના ૨૨૪મા પ્રાગટય મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે વર્લ્ડ કપની ફાઇનલ મેચ હોવા છતાં જલારામ મંદિરોમાં બાપાના ભક્તો અને શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી.રઘુવંશી લોહાણા સમાજ દ્વારા પણ બાપાના પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરામાં કારેલીબાગ અને સુભાનપુરા વિસ્તારમાં આવેલા પ્રસિધ્ધ જલારામ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી હતી.બપોર સુધીમાં તો ભક્તોનો ધસારો એટલો હતો કે દર્શન માટે મંદિરની બહાર અડધો કિ.મી. સુધી ભક્તોની કતારો જોવા મળી હતી. વીરપુરના સંત શ્રી જલારામ બાપાએ આજીવન અન્નદાન મહાયજ્ઞા ચલાવ્યો અને ત્યારથી વીરપુરમાં આ મહાયજ્ઞા અવિરત ચાલુ છે. તે પરંપરા અનુસાર વડોદરામાં પણ આજે બાપાના પ્રાગટય દિને અનેક સ્થળોએ ભંડારાના પણ આયોજન કરવામાં આવ્યા હતા.
જ્યારે ઇલોરાપાર્ક ખાતે શ્રી જલારામ રઘુવંશી લોહાણા કોમ્યુનિટી સેન્ટર ખાતે આજે સવારે સમાજના સેંકડો લોકોની હાજરીમાં રામ દરબાર અને જલારામ બાપાની પ્રતિમાની પૂજા અને અભિષેક કરવામાં આવ્યા હતા. ૧૦ વાગ્યે ચરણ પાદુકાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બપોરે અને સાંજે અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૨૨૪ દીવડાની મહાઆરતી કરવામા આવી હતી. આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો, તેમ રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી નિલેશ રાડીયાએ કહ્યું હતું.