હનુમાન જ્યંતિ નિમિત્તે આઠ સ્થળેથી શોભાયાત્રા નીકળશે
ફતેપુરા વિસ્તારમાંથી નીકળનારી શોભાયાત્રાને અનુલક્ષીને નો એન્ટ્રી અને નો પાર્કિંગ
પોલીસ કમિશનરે જાતે ફૂટ પેટ્રોલિંગ કર્યુ
વડોદરા,શ્રી હનુમાન જ્યંતિ નિમિત્તે ફતેપુરા વિસ્તારમાંથી નીકળનારી શોભાયાત્રાને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા નો એન્ટ્રી અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આજે પોલીસ કમિશનર દ્વારા ફતેપુરા વિસ્તારમાં જાતે ફૂટ પેટ્રોલિંગ કરી બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આવતીકાલે ચૈત્રી પૂનમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારમાંથી કુલ આઠ શોભાયાત્રા નીકળવાની છે. એક શોભાયાત્રા શહેરના અત્યંત સંવેદનશીલ એવા ફતેપુરા વિસ્તારમાંથી નીકળવાની છે. ફતેપુરામાંથી નીકળનારી આ શોભાયાત્રા ફતેપુરા ચાર રસ્તા, અડાણીયા પુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા, પદ્માવતિ શોપિંગ સેન્ટરથી જમણી તરફ વળી ગાંધી નગર ગૃહ, જ્યુબિલી બાગ સર્કલથી ભક્તિ સર્કલ થઇ રોકડનાથ હનુમાનજી મંદિર જઇને પૂરી થશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાવાના હોવાથી કોઇને અગવડ ના પડે તે માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રી અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી શોભાયાત્રાના રૃટ પર રોડની બંને તરફ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે રૃટ તરફ આવતા તમામ રોડ પર વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. આ રૃટ પર આવતા રોડ ક્રોસ કરવાના પોઇન્ટ શોભાયાત્રા આગળ વધે તે રીતે ખોલવામાં આવશે.
શોભાયાત્રાને અનુલક્ષીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાતે બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે ફતેપુરાથી માંડવી સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતું. રૃટ પર આવતા તમામ પોઇન્ટ પર તેમણે જાતે ચેક કર્યા હતા.