તા.૧૨મીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો વાજતે ગાજતે વરઘોડો નીકળશે
સવારે ભગવાન સોના-ચાંદીની પાલખીમાં બેસી નગરયાત્રાએ નીકળશે : રાત્રે તુલસી લગ્ન
વડોદરા,વડોદરામાં વર્ષોની પરંપરા અનુસાર કારતક સુદ અગિયારસ (દેવઊઠી પ્રબોધિની એકાદશી) તા.૧૨ની સવારે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વાજતેગાજતે નીકળશે.
શ્રીમંત મહારાજા ગાયકવાડ સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ અંતર્ગત માંડવી નજીક ઐતિહાસિક અને રજવાડી શ્રી વિઠ્ઠલ મંદિરથી વર્ષોની પરંપરા અનુસાર દેવઊઠી એકાદશીએ વરઘોડો નીકળે છે. તા.૧૨ની સવારે ૯ વાગ્યે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાન સોના-ચાંદીની ભવ્ય પાલખીમાં બેસી નગરજનોને સામેથી દર્શન આપવા નગરયાત્રામાં નીકળશે.
નગરયાત્રા પૂર્વે આ મંદિરે શ્રીમંત મહારાજા ગાયકવાડ પરિવાર દદ્વારા પૂજન-અર્ચન અને આરતી બાદ શ્રીજીનો વરઘોડો ભક્ત સમુદાય, ભજન મંડળીઓ, નિશાન, ડંકા, બેન્ડવાજા સાથે વાજતેગાજતે નીકળશે. વરઘોડો માંડવી, ન્યાયમંદિર, રાવપુરા, કોઠી, દવાખાના, આરાધનાની બાજુથી કારેલીબાગના નવા રસ્તેથી નીકળશે. કામનાથ સ્મશાન બાજુમાં શ્રીમંત ગહીના બાઇ બાગ, લીંબુવાડીમાં શ્રી ગહીના બાઇ મહાદેવ જશે, જ્યાં શ્રી હરીહરની ભેટ, પૂજા, અર્ચના, આરતી બપોરે ૧ વાગે થશે. ત્યાંથી બપોરે ૨ વાગે પરત નીકળી બહુચરાજી રોડથી નાગરવાડા, ઘીકાંટા, ટાવર થઇ જ્યુબિલીબાગ, લહેરીપુરા, ન્યાયમંદિર થઇ માંડવી શ્રી વિઠ્ઠલ મંદિરે સાંજે પાંચ વાગ્યે પરત આવશે. મંદિરમાં રાત્રે ૧૦ થી ૧૨ શાસ્ત્રોકત વિધિ મુજબ 'તુલસી લગ્ન' થશે. વરઘોડા સમયે શ્રીજી મંદિર દર્શનાર્થે ખુલ્લું રહેશે.