બાપોદ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ પર હુમલો અમારા ટેક્સથી પોલીસનો પગાર થાય છે તેમ કહી એએસઆઇને ફટકાર્યો
તારે મને તમે નહી સાહેબ કહેવાનું કહી ખુરશીને લાત મારી અને મુક્કા માર્યા
વડોદરા, તા.23 વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનના એએસઆઇને અમો સરકારમાં ટેક્સ ભરીએ છીએ, તેનાથી તમારા જેવા લુખ્ખા પોલીસવાળાના પગાર થાય છે તેમ કહી ખુરશીને લાત મારી પાડી દઇ એએસઆઇને પોલીસ સ્ટેશનમાં જ ઢોર માર માર્યો હતો.
વાઘોડિયા તાલુકાના હનુમાનપુરામાં પુષ્પક ઉપવનમાં રહેતા એએસઆઇ હરિશ ઇશ્વરે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું પોલીસ સ્ટેશનમાં જિલ્લા બહારના કોર્ટ તરફથી આવતા સમન્સ, વોરંટ તેમજ નોટિસની બજવણીની ફરજ બજાવું છું. તા.૨૨ના રોજ સવારે પોલીસ સ્ટેશનના બીજા માળ ઉપર મારી ઓફિસમાં હાજર હતો ત્યારે બપોરે ત્રણ વાગે નિર્મળસિંહ ભરતસિંહ ડોડિયા કોર્ટ તરફથી અલ્પેશ અધ્વર્યુ પાયલ એજન્સી કારેલીબાગ વિરુધ્ધ તા.૨૩ ઓક્ટોબરનું બેલેબલ વોરંટ નેગોશિયેબલ એક્ટની કલમનું લઇને આવ્યા હતાં.
મેં તેમને નીચે પીએસઓ પાસે વોરંટ ઉપર દાખલ તારીખ નખાવી દો અને આ વોરંટની બજવણી બીજા માણસો કરે છે તેઓ સાંજે પાંચ વાગે આવશે તમે એલઆરડી વિવેકગીરીને મળી લેજો તેમ કહેતાં નિર્મળસિંહ ઉશ્કેરાઇ ગયા હતા અને અમો સરકારમાં ટેક્સ ભરીએ છીએ તેનાથી તમારા જેવા લુખ્ખા પોલીસવાળાના પગાર થાય છે તારે મને તમે નહી બોલવાનું સાહેબ કહી બોલાવવાનું જેથી મેં તેને આવું વર્તન નહી કરવાનું કહેતાં તેઓ ઉશ્કેરાઇ ગયેલ અને હું જે ખુરશી પર બેઠો હતો તે ખુરશીને લાત મારતા હું નીચે પડી ગયો હતો બાદમાં મને આંખ પર ફેટો મારી તેમજ પીઠના ભાગે લાતો મારી હતી અને મારી ઉપર બેસી માર મારવાનું શરૃ કર્યું હતું.
મેં મારો જીવ બચાવવા બૂમાબૂમ કરતાં પોલીસ સ્ટેશનનો અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો અને મને વધુ મારથી બચાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.