ગોરવા-કરોડીયા રોડ વિસ્તારમાં પાર્કિંગના મુદ્દે તકરાર થતાં પોલીસ પર હુમલો
વડોદરાઃ ગોરવા વિસ્તારમાં ગઇ રાતે પાર્કિંગના મુદ્દે તકરાર થયા બાદ દરમિયાનગિરી કરનાર પોલીસ કર્મી પર હુમલાનો બનાવ બનતાં ચાર જણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જવાહરનગર પોલીસના કોન્સ્ટેબલ મહેશ નવલાભાઇએ ફરિયાદમાં કહ્યું છે કે,ગઇ રાતે પોલીસ કંટ્રોલરૃમે કરોડિયા રોડના ખોડિયારનગર ખાતે રાજેન્દ્રભાઇ સોલંકી સાથે કેટલાક લોકો ઝઘડો કરતા હોવાની જાણ કરતાં અમે પીસીઆર વાન લઇને ત્યાં પહોંચ્યા હતા.
પોલીસે કહ્યું છે કે,આ વખતે રાજેન્દ્રભાઇએ અમને કહ્યું હતું કે,નજીકમાં રહેતા છગનભાઇ દાયમા અને અન્ય લોકો પાર્કિંગ બાબતે તેમની પત્ની સાથે ઝઘડો કરી રહ્યા છે.જેથી અમે છગનભાઇ તેમજ અન્ય લોકોને વાનમાં બેસાડયા હતા.આ વખતે વાન નહિં જવા દઇએ તેમ કહી કેટલાક લોકોએ તકરાર કરી હતી અને બીજીવાર વાન લઇને અહીં આવ્યા તો જીવતા નહિં જવા દઇએ તેમ કહી મારી તેમજ અન્ય પોલીસ કર્મી દિલીપભાઇ સાથે ઝપાઝપી કરી હતી.આ વખતે વાન પર પથ્થર પર માર્યો હતો.
ઉપરોક્ત ફરિયાદને આધારે પોલીસે છગન હરજીભાઇ દાયમા,સુરેશ છગનભાઇ, લોકેશ ખીંચી,અને રાજેશ ખીચી સામે ગુનો નોંધ્યો છે.