દારૃ પીવા આવતા ગ્રાહકોને સાઇડમાં ઉભા રહેવાનું કહેતા હુમલો
દારૃ વેચતા આરોપીએ પાડોશીને મારી નાંખવાની ધમકી આપી
વડોદરા,રાવપુરા પોલીસની રહેમ નજરના કારણે દાંડિયા બજાર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૃ વેચાઇ રહ્યો છે. દારૃ પીવા આવતા ગ્રાહકોને સાઇડ પર ઉભા રહેવાનું કહેતા પાડોશી પર દારૃ વેચનાર આરોપીએ હુમલો કર્યો હતો.
દાંડિયા બજાર જંબુબેટ આનંદ નિવાસમાં રહેતો મુકુંદ હરિનાથભાઇ કહાર એક અખબારમાં પત્રકાર છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા. ૮ મી એ અમારા સમાજની ઉજાણીનો કાર્યક્રમ હોવાથી અમે ગયા હતા.રાતે સાડા બાર વાગ્યે શોભાયાત્રા પૂરી થતા અમે ઘરે પરત આવ્યા હતા. અમારા ઘરની બાજુમાં રહેતા સાગર ઉર્ફે લલિત મહેશભાઇ કહાર દેશી દારૃનો ધંધો કરે છે. તેમના ગ્રાહકો અમારા ઘર પાસે ઉભા રહીને દારૃ પીતા હોઇ અમે ગ્રાહકોને સાઇડમાં ઉભા રહેવાનું કહ્યું હતું.રાતે એક વાગ્યે સાગર, તેની પત્ની ચેતના તથા બહેન પૂજાએ અમારી સાથે ઝઘડો કર્યો હતો. સાગરે લાકડીથી હુમલો કરી મને ઇજા પહોંચાડી ધમકી આપી હતી કે, અમારા ધંધામાં આડો પગ કરશો તો જીવતા નહીં રહેવા દઇએ.