MSU હોસ્ટેલની સેન્ટ્રલ કેન્ટીનના સંચાલક પર મધરાતે હુમલો, ત્રણ યુવકોએ માર માર્યો
MSU Vadodara : એમ.એસ.યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં આવેલી સેન્ટ્રલ કેન્ટીનના સંચાલક પર શુક્રવારની મોડી રાત્રે ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવતા હોસ્ટેલમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
મળતી વિગતો પ્રમાણે હોસ્ટેલની સેન્ટ્રલ કેન્ટિન મધરાત બાદ પણ ખુલ્લી રહેતી હોય છે.આ કેન્ટીન એટલા માટે શરુ કરવામાં આવી હતી કે, પરીક્ષા દરમિયાન મોડી રાત સુધી વાંચતા વિદ્યાર્થીઓને હોસ્ટેલ કેમ્પસમાં જ ચા નાસ્તાની સુવિધા મળી રહે પણ હવે એવુ લાગે છે કે, કેન્ટીન શરુ કરવાનો હેતુ સર થઈ રહ્યો નથી.
કેન્ટીનનુ સંચાલન કરતા મુકેશ જોષીનુ કહેવુ હતુ કે, શુક્રવારની રાત્રે આવેલા ત્રણ યુવકો કેન્ટીનમાં આવ્યા હતા અને તેમણે કોલ્ડ ડ્રિન્ક તેમજ નાસ્તાના પૈસાના મુદ્દે બોલાચાલી કરી હતી અને મને માર માર્યો હતો. સાથે સાથે કેન્ટીનના ખુરશી ટેબલ પણ તોડી નાંખ્યા હતા. આ યુવકો યુનિવર્સિટી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બિહારી વિદ્યાર્થીઓના ગુ્રપ સાથે સંકળાયેલા હોવાની પણ આશંકા છે.તેમણે દારુ પીધો હોવાનુ પણ લાગતુ હતુ.
દરમિયાન કેન્ટીન સંચાલકે પોલીસને આ વાતની જાણ કરતા પોલીસ કાફલો પણ મધરાતે હોસ્ટેલમાં આવી ચઢ્યો હતો. જેને લઈને વિદ્યાર્થીઓના ટોળે ટોળા જામ્યા હતા. ચોકાવનારી વાત એ છે કે, કેન્ટીનમાં સીસીટીવી નથી લગાડવામાં આવ્યા. નહીંતર હુમલો કરનાર વિદ્યાર્થીઓની વહેલી તકે ઓળખ થઈ ગઈ હોત.