Get The App

વડોદરામાં મહાશિવરાત્રિએ શિવજી કી સવારી નીકળી, ભક્તોનું પુર જોવા મળ્યુ

અભિષેક અને અનુષ્ઠાન માટે શિવ મંદિરોમાં દિવસભર ભક્તોની ભીડ રહી, રૃદ્રાભિષેક, સમૂહ હોમાત્મક લઘુરૃદ્ર અને ફરાળી ભંડારા યોજાયા

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
વડોદરામાં મહાશિવરાત્રિએ શિવજી કી સવારી નીકળી, ભક્તોનું પુર જોવા મળ્યુ 1 - image


વડોદરા : આજે મહાશિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના શિવ મંદિરોમાં વહેલી સવારથી મોડી રાત સુધી ભક્તોની ભારે ભીડો જોવા મળી હતી. રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી નીકળેલી શિવજી કી સવારીમાં પણ શ્રધ્ધાળુઓ હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતા. શ્રધ્ધાળુઓના બમ... બમ... ભોલેના નાદથી માર્ગો ગુંજી ઉઠયા હતા.

કાશીવિશ્વનાથ મંદિર, મોટનાથ મંદિર સહિતના નવ નાથ મંદિરો ઉપરાંત ઇએમઇ કેમ્પસમાં આવેલ દક્ષિણેશ્વર શિવજીનું મંદિર, વાસણા રોડ  પર આવેલ રાણેશ્વર મંદિર સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવ મંદિરોમાં આજે જળાભિષેક, દુગ્ધાભિષેક અને પંચામૃત અભિષેક માટે  ભક્તોનો ધસારો દિવસભર જોવા મળ્યો હતો. ભારે માગને પગલે આજે બપોર સુધીમાં તો શહેરમા બિલ્વપત્ર, ધતુરાના ફળ અને ફુલનો સ્ટોક જ ખતમ થઇ ગયો હતો. મંદિરોમાં આજે રૃદ્રાભિષેક અને સમૂહ હોમાત્મક લઘુરૃદ્ર યજ્ઞા જેવા કાર્યક્રમો યોજાયા હતા. કેટલાક મંદિરોમાં આજે ફરાળી ભંડારાના પણ આયોજન થયા હતા.

વડોદરામાં મહાશિવરાત્રિએ શિવજી કી સવારી નીકળી, ભક્તોનું પુર જોવા મળ્યુ 2 - image

શિવજી કી સવારી આયી... ભોલે કી સવારી...  : હજારો ભક્તોની મેદની સાથે શિવજી કી સવારી નીકળી, વડોદરા શિવમય બન્યું

બીજી તરફ શિવજી કી સવારી ધામધૂમથી નીકળી હતી. ગાજરાવાડી સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી બપોરે ૪ વાગ્યે સવારીનું પ્રસ્થાન થયુ હતું. શિવ પરિવારની દિવ્ય પ્રતિમા સાથે સવારી વાડી, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર, માર્કેટ ચાર રસ્તા, દાંડિયા બજાર થઇને સાંજે ૭ વાગ્યે સૂરસાગર પહોંચી હતી. સવારીના રૃટ પર વિવિધ સ્થળોએ પુષ્પવર્ષાથી સ્વાગત થયુ હતુ તો અલગ અલગ સ્થળે યુવક મંડળોએ અને સંસ્થાઓએ પણ સવારીનું સ્વાગત કર્યુ હતું. સાજે ૭.૧૫ વાગ્યે સૂરસાગરમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવ સમક્ષ મહાઆરતી થઇ હતી. મહાઆરતી બાદ સવારી તેના છેલ્લા ચરણ  ઉદયનારાયણ મંદિર, સલાટવાડા ખાતે પહોંચી હતી જ્યાં સવારીનું સમાપન થયુ હતું.

વડોદરામાં મહાશિવરાત્રિએ શિવજી કી સવારી નીકળી, ભક્તોનું પુર જોવા મળ્યુ 3 - image

વડોદરામાં મહાશિવરાત્રિએ શિવજી કી સવારી નીકળી, ભક્તોનું પુર જોવા મળ્યુ 4 - image

ગાંધી નગરગૃહ સર્કલ પાસે ભક્તોએ ધૂમ મચાવી

સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા યોજાતી શિવજી કી સવારીમાં આ વખતે નિર્ણય કરવામાં આવ્યો હતો કે સવારી સાથે ડી.જેે. નહી જોડાયા તેના બદલે વિવિધ વિસ્તારોમાં યુવક મંડળો ડી. જે. સાથે યાત્રાનું સ્વાગત કરશે. ગાંધી નગરગૃહ સર્કલ પાસે ડી.જે.ની સાથે આદીયોગી શિવજીની વિશાળ પ્રતિમા અને પાંચથી વધુ વર્ટિકલ એલઇડી સ્ક્રિન પર પ્રસ્તુત થતા ડમરૃ, ત્રિશુલ સહિતના શિવજીના પ્રતિકના કારણે  ભક્તો શિવમય બન્યા હતા અને શિવજીની ધુન પર ભારે ધૂમ મચાવી હતી.

વડોદરામાં મહાશિવરાત્રિએ શિવજી કી સવારી નીકળી, ભક્તોનું પુર જોવા મળ્યુ 5 - image

રામલલાની પ્રતિકૃતિ સાથેનો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો

શિવજી કી સવારીમાં અયોધ્યામાં જન્મભૂમિ મંદિરમાં સ્થાપીત રામલલાની પ્રતિમાની પ્રતિકૃતિ સાથેનો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

શિવજીના દર્શનની સાથે સાથે ભક્તોએ આજે રમલલાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

વડોદરામાં મહાશિવરાત્રિએ શિવજી કી સવારી નીકળી, ભક્તોનું પુર જોવા મળ્યુ 6 - image

તારકેશ્વર મહાદેવ પણ ચાંદીની પાલખીમાં નગરયાત્રાએ નીકળ્યા

શહેરના જ્યુબિલીબાગ નજીક આવેલા તારકેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરમાં પણ દર વર્ષે શિવરાત્રીએ ભક્તોની  ભારે ભીડ જામે છે. દુકાનોના સામ્રાજ્ય વચ્ચે આ મંદિર આવેલુહોવાથી સામાન્ય રીતે લોકોની નજરમાં આવતુ નથી ત્યારે આ મંદિર દ્વારા આ વખતે શિવરાત્રી શિવજીની યાત્રા કાઢવામાં આવી હતી.  આ વખતે પ્રથમ વખત તાડકેશ્વર મંદિરથી શિવજી નગરયાત્રાએ નીકળ્યા હતા. ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇને શિવજીએ ચાર દરવાજા વિસ્તારમાં ભક્તોને દર્શન આપ્યા હતા.



Google NewsGoogle News