વડસર ગામમાં ધમધમતી દેશી દારૃની ભઠ્ઠીની માહિતી પોલીસને આપતા પત્રકાર પર હુમલો
પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કર્યો પણ પોલીસ આવે તે પહેલા જ માથાભારે તત્વો આવી ગયા
પોલીસ સ્ટેશન લઇ જવામાં આવેલા આરોપીઓને પોલીસે વીઆઇપી ટ્રીટમેન્ટ આપી હોવાનો આક્ષેપ
વડોદરા,પાંચ દિવસ પહેલા રેતી ખનન અંગે વિગતો લેવા ગયેલા પત્રકાર પર હુમલો થયા પછી ગઇકાલે વડસર ગામમાં દેશી દારૃની ભઠ્ઠી અંગે પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરનાર પત્રકાર પર માથાભારે તત્વોએ હુમલો કર્યો હતો. જેઓને પકડી પોલીસ સ્ટેશન લાવ્યા પછી માંજલપુર પોલીસ દ્વારા તેઓને વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.
ગોત્રી શિવમ નગરમાં રહેતા પખવાડિકના રિપોર્ટર ભરતભાઇ શાહે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વડસર ગામની પાછળ આવેલા જીઇબી સ્ટેશન પાછળ દારૃની ભઠ્ઠીઓ ચાલતી હોવાની તથા વિદેશી દારૃનો ધંધો ચાલતો હોવાની માહિતી મળી હતી. જેથી,મેં મારા રિપોર્ટર અલ્પેશ શાહને કહ્યું કે, હું આવું છું. તમે ૧૦૦ નંબર પર કોલ કરી પોલીસની ગાડી બોલાવો. હું ત્યાં પહોંચ્યો ત્યાં સુધી પોલીસની ગાડી આવી નહતી. તે દરમિયાન સન્ની નામનો શખ્સ ત્યાં આવીને અમને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. સન્નીએ લાકડાના ડંડા વડે મારા પર હુમલો કરી પીઠ તથા જમણા પગના કાંડા પાસે ઇજા પહોંચાડી હતી. મારા રિપોર્ટર અલ્પેશને પણ હુમલાખોરોએ માર માર્યો હતો. દરમિયાન પોલીસની ગાડી આવી જતા હુમલાખોરો ભાગી ગયા હતા.
ભરતભાઇ શાહે જણાવ્યું હતું કે, દારૃની ભઠ્ઠી અંગે કંટ્રોલ રૃમમાં કોલ કર્યાના એક કલાક પછી પોલીસની ગાડી આવી હતી. પોલીસની ગાડી આવી તે પહેલા જ માથાભારે તત્વો આવી ગયા હતા. હુમલાખોરોને અગાઉથી જાણ કરી દેવામાં આવી હોવાની શંકા છે. તેઓને કોણે જાણ કરી ? તે તપાસનો વિષય છે. આ ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દ્વારા હુમલાખોરોને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા પછી તેઓને લોકઅપમાં બેસાડવાના બદલે બહાર બેસાડી વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.
સસ્પેન્ડ થયા પછી ફરીથી એ જ પોલીસ સ્ટેશનમાં આવી જતા વહીવટદારો
માંજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદારની બદલી કરતા અધિકારીઓ ખચકાય છે
વડોદરા,વડસર ગામ દેશી દારૃની ભઠ્ઠીઓનું હબ બની ગયું છે. થોડા સમય પહેલા પીસીબી પોલીસે આ સ્થળેથી પાંચ થી છ ભઠ્ઠીઓ પકડી કેસ કર્યા હતા. પરંતુ, માંજલપુર પોલીસ ઊંઘતી રહેતા ફરીથી ભઠ્ઠીઓ ધમધમતી થઇ ગઇ હતી. ગઇકાલે ભઠ્ઠી અંગે સ્થળ પર જઇને પોલીસને બોલાવનાર પત્રકારો પર માથાભારે તત્વોએ હુમલો કર્યો હતો. માંજલપુર પોલીસ સ્ટેશન ચલાવતા વહીવટદારની એટલી બધી વગ છે કે, આ જ પોલીસ સ્ટેશનમાંથી સસ્પેન્ડ થયા પછી પોતાના માનીતા અધિકારીઓની ભલામણના આધારે ફરીથી આ જ પોલીસ સ્ટેશનમાં આવી જાય છે. આવા પોલીસ કોન્સ્ટેબલો સામે કોઇ કાર્યવાહી થતી નહીં હોવાથી તેઓ બેફામ બની જતા હોય છે.