ગુડ ફ્રાઇડેના દિવસે શહેર જિલ્લામાં ૪૭૬ દસ્તાવેજોની નોંધણી થઇ
સૌથી વધુ દસ્તાવેજ ગોરવામાં નોંધાયા : સ્ટેેમ્પ ડયૂટિની સૌથી વધુ આવક છાણીની કચેરીમાં
વડોદરા, વડોદરાની ૧૩ સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજે ગુડ ફ્રાઇડેના દિવસે કાર્યરત રહી હતી. આજે એક જ દિવસમાં ૪૭૬ દસ્તાવેજોની નોંધણી થતા સરકારને ૨.૯૯ કરોડની આવક થઈ હતી. સૌથી વધુ ૩૦ દસ્તાવેજો છાણીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાતા ૧.૯૧ કરોડની આવક થઇ હતી.
વડોદરા શહેર અને જિલ્લામાં આવેલી ૧૩ સબ રજિસ્ટ્રાર કચેરીમાં આજે ગુડ ફ્રાઈડેના દિવસે કુલ ૪૭૬ દસ્તાવેજો થયા હતા. તેના કારણે સરકારી તિજોરીમાં સ્ટેમ્પ ડયૂટિ પેટે ૨,૯૯,૨૩,૪૧૪ રૃપિયાની આવક થઈ હતી. જેમાં સૌથી વધુ ૮૧ દસ્તાવેજો ગોરવાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા અને તેનાથી રૃ. ૧.૦૩ કરોડની આવક સરકારને થઈ હતી. જ્યારે સૌથી ઓછા માત્ર ૭ દસ્તાવેજ ડેસર ખાતેની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા. જેનાથી ૧.૦૪ કરોડની આવક સરકારને થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, શહેર અને જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સામાન્ય રીતે એક દિવસમાં ૬૦૦ દસ્તાવેજો નોંધાતા હોય છે, પરંતુ આજે ગુડ ફ્રાઈડેના દિવસે દસ્તાવેજોની નોંધણી ચાલુ રખાતા એક દિવસમાં ૪૭૬ દસ્તાવેજો નોંધાયા હતા. જે સામાન્ય દિવસો કરતા ૩૩ ટકા જેટલા ઓછા દસ્તાવેજો નોંધાયા હતા, પરંતુ સ્ટેમ્પ ડયુટીની કુલ રૃ. ૨.૯૯ કરોડની સરકારને આવક થઈ હતી.