શુક્રવારે ભગવાન વિઠ્ઠલનાથજીનો પરંપરાગત વરઘોડો નીકળશે
ભગવાન સોના ચાંદીની પાલખીમાં બિરાજીને નગરયાત્રાએ નીકળશે, ગહીનબાઇ બાગમાં મહાદેવ મંદિરમાં હરીહરની ભેટ થશે
વડોદરા : શુક્રવારે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો પરંપરા મુજબ નીકળશે. સવારે ૯ વાગ્યે વરઘોડાનો પ્રારંભ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં વરઘોડો નીજ મંદિર પરત ફરશે.
શહેરના માંડવી વિસ્તારમાં આવેલ શ્રી વિઠ્ઠલનાથજીના ઐતિહાસિક મંદિરથી પ્રણાલી મુજબ દર વર્ષે કારતક સુદ ૧૧ એટલે કે દેવ પ્રબોધિની એકાદશીના રોજ પાલખી યાત્રા એટલે કે વરઘોડાનું આયોજન થાય છે. આ પરંપરા મુજબ શુક્રવારે સવારે રાજ પરિવારના સભ્યો પૂજન અર્ચન કરશે જે બાદ ૯ વાગ્યે ભગવાના સોના-ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇને નગરયાત્રાએ નીકળશે.
વરઘોડામાં વારકરી સમુદાયની ભજન મંડળીઓ, ધાર્મિક નિશાન ડંકો, બેન્ડ વાજા સાથે વરઘોડો લહેરીપુરા ગેટ, ન્યાય મંદિર, રાવપુરા, કોઠી ચાર રસ્તા, આરાધના સિનેમાની બાજુમાંથી કામનાથ સ્મશાન પાસે આવેલ શ્રીમંત ગહીનબાઇ બાગ, લીંબુવાડીમાં મહાદેવ મંદિર ખાતે પહોંચશે જ્યાં હરીહર (ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી અને દેવોના દેવ મહાદેવ)ની ભેટ થશે અહી વરઘોડાનું રોકાણ થશે બપોરે ૧ વાગ્યે પુજા અર્ચન થશે અને ૨ વાગ્યે વરઘોડાનું મંદિર તરફ પ્રયાણ થશે. વરઘોડો બહુચરાજી રોડથી, નાગરવાડા, ઘી કાંટા ટાવર, લહેરીપુરા, ન્યાય મંદિર થઇને સાંજે પાંચ વાગ્યે મંદિરમા પરત ફરશે. મંદિરમા રાત્રે ૧૦ થી ૧૨ દરમિયાન તુલસી વિવાહ પણ યોજાશે.