દિવાળી પર્વમાં પોલીસ ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ નહીં પણ ફૂલ આપશે
અવેરનેસ પેમ્ફલેટ આપવાની સાથે માર્ગો ઉપર
છ નવેમ્બર સુધી પોલીસના હાથમાં પાવતી બુક નહીં પરંતુ ફૂલ જોવા મળશે : ગાંધીનગર પોલીસે શરૃઆત કરી દીધી
ગાંધીનગર : દિવાળીના તહેવારો દરમિયાન ટ્રાફિક વધતો હોય છે ત્યારે આ સ્થિતિમાં તેના નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા આ વખતે વાહન ચાલકો પાસેથી દંડ નહીં વસૂલવાને તેમને ફુલ આપવાનું નક્કી કરી ટ્રાફિક ના નિયમોની સમજણ આપી પેમ્પલેટ આપવાનું આયોજન હાથ કરવામાં આવ્યું છે. ગાંધીનગર પોલીસ દ્વારા તેની શરૃઆત પણ કરી દેવામાં આવી છે.
ગુજરાત પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ તહેવારોમાં અલગ અલગ માર્કેટ પ્લેસ, હાઇવે કે વિવિધ સર્કલ ઉપર ઉભી રહેતી પોલીસ 'પાવતી બુકદ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને પોલીસ દ્વારા ફુલ આપીને તેમણે જે નિયમનો ભંગ કરવાની ભુલ કરી છે તેનાથી તેમને તથા તેમના પરિવારને શુ નુક્શાન થઇ શકે છે અને માનવજીવનનુ મુલ્ય વાહનચાલકના પોતાના પરિવાર માટે કેટલુ વિશેષ છે તેની સમજ આપવામાં આવશે. દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેશે. જેથી, રાજ્યભરમાં માર્ગ સલામતિ અંતર્ગત ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવા માટે તેમજ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા ઉપરાંત માર્ગ અકસ્માતોના બનાવો ન બને અને વાહન ચાલક તેમજ તેમના પરિવારની સલામતિ જળવાય તે માટે ટ્રાફિક અવેરનેસનો આ નવતર અભિગમ અપનાવ્યો છે. ગઈકાલ તા.૩૦મી ઓક્ટોબરથી તા.૦૬ઠ્ઠી નવેમ્બર ૨૦૨૪ દરમિયાન હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવર સ્પીડ, રોંગ સાઇટ ડ્રાઇવીંગ તેમજ લેન ભંગ સહિતના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકને તેમણે જે નિયમ ભંગ કર્યો છે તે મુજબનું અવેરનેસ પેમ્ફલેટ પોલીસ દ્વારા આપવામાં આવશે. તેની સાથે સાંકેતિકરૃપે વાહન ચાલકને ફુલ આપી ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવશે અને હવેથી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં આવશે. ગાંધીનગર પોલીસ દ્વારા ગઈકાલથી જ આ ફૂલ આપવાની નવી પદ્ધતિ અપનાવી લેવામાં આવી છે.