કારેલીબાગ અમિત નગર સર્કલ પાસેથી પાર્સલ લઇ જતા કાર ચાલક પર હુમલો
શૈલેષ ભરવાડ અને તેના સાગરીતોની ધમકી : તારે ગાડી અહીંયાથી ભરવાની નહીં
વડોદરા,કારેલીબાગ અમિત નગર પાસે મુસાફરો તથા પાર્સલ લેવા માટે ઉભા રહેલા કાર ચાલક પર ત્રણ માથાભારે શખ્સોએ હુમલો કર્યો હતો. કાર ચાલકને મુસાફરો નહીં ભરવા માટે ધમકી આપનાર ત્રણ માથાભારે હુમલાખોરો સામે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ડભોઇ રોડ સોમા તળાવ નજીક ગેસ ગોડાઉનની પાછળ વણજારા વાસમાં રહેતો જાલમસિંગ રામસિંગ વણજારા ડ્રાઇવિંગ કરે છે. હરણી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૬ મી એ હું મારી કાર લઇને અમિત નગર ગયો હતો. ત્યાંથી પેસેન્જર ભરીને અમદાવાદ જવાનો હતો. ત્યાંથી એક પાર્સલ લઇને હું અમદાવાદ જવાનો હતો. હું પાર્સલ લેતો હતો. તે સમયે શૈલેષ ભરવાડ તથા તેની સાથે આવેલા અન્ય બે ભરવાડો આવ્યા હતા. તેઓએ મને કહ્યું કે, તું અહીંયાથી કેમ પાર્સલ લઇ જાય છે ? તારે ગાડી અહીંયાથી ભરવાની નહીં. તેણે મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો. મારા પિતા રામસિંગ નાનકભાઇ વણજારા ત્યાં આવી ગયા હતા. તેમણે શૈલેષ તથા અન્ય બે વ્યક્તિઓને સમજાવવાની કોશિશ કરી હતી. ત્રણેયે ઉશ્કેરાઇને મારા પિતા પર હુમલો કર્યો હતો. તેઓએ હાથમાં પહેરેલા કડા વડે મને તથા મારા પિતાને માર માર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગેરકાયદે મુસાફરી કરતા વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવનાર દલાલો ફરીથી સક્રિય થઇ ગયા છે. સોમા તળાવ પાસે પણ હપ્તો આપીને કાર ચલાવતા વાહન ચાલકો વચ્ચે મારામારી થઇ હતી. આ અંગે ગુનો દાખલ થયો હતો. જેના પગલે થોડા દિવસ સુધી ગેરકાયદે દોડતા વાહનો અદ્રશ્ય થઇ ગયા હતા. પરંતુ,ફરીથી વાહનો દોડતા થઇ ગયા છે. તેવી જ રીતે નડિયાદ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતના પગલે અમિત નગરથી દોડતા વાહનો બંધ થઇ ગયા હતા. પરંતુ, ફરીથી વાહનો દોડતા થઇ ગયા છે. પરંતુ, કેટલાક વાહન ચાલકો હપ્તો આપતા નહીં હોવાના કારણે દલાલોના પેટમાં તેલ રેડાયું છે. ઉલ્લેખનીય છે કે, આ સ્થળે ટ્રાફિક પોલીસનો પોઇન્ટ છે. તે ઉપરાંત સીસીટીવી કેમેરા પણ ફિટ કરેલા છે. તેમછતાંય મુસાફરોની ગેરકાયદે હેરાફેરીને ટ્રાફિક પોલીસ અટકાવી શકતી નથી.