લારીમાં શાકભાજી વેચવા નીકળેલા કિશોર પર હુમલો
કિશોરે પૈસા આપવાની ના પાડતા લાકડીથી હુમલો કરતા બેભાન
વડોદરા,લારીમાં શાકભાજી લઇને વેચવા માટે નીકળેલા બે ભાઇઓ પાસે પૈસા માંગીને હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવાયાર્ડ વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા શખ્સે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હસન છોટેખાન પઠાણનો ટેમ્પો લઇને હું તથા મારો ભાઇ સવારે શાકભાજી લેવા માટે સોખડા છાણી તરફ ગયા હતા. આગલા દિવસે વધેલું શાકભાજી લારીમાં લઇને મારા બે દીકરા આજુબાજુની ગલીમાં વેચવા માટે નીકળ્યા હતા. મારા દીકરા પાસે ત્યાં રહેતા એક છોકરાએ પૈસા માંગતા મારા દીકરાએ પૈસા આપવાની ના પાડી હતી. તે છોકરાના મોટા ભાઇએ મારા દીકરાને કહ્યું કે, તું કેમ પૈસા આપતો નથી. તેણે લાકડી વડે મારા દીકરાને માર માર્યો હતો. જેના કારણે મારો દીકરો બેભાન થઇ ગયો હતો. મારા દીકરાને મારા કાકાનો દીકરો મોેપેડ પર બેસાડીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.