આણંદમાં દબાણ દૂર કરવા ગયેલા પાલિકાના કર્મચારી પર હુમલો
સોશિયલ મીડિયામાં બનાવનો વીડિયો વાયરલ
આણંદ-વિદ્યાનગર રોડ પરનો બનાવ પાલિકાએ ૩૦થી વધુ દબાણો દૂર કર્યાં
આણંદ નગરપાલિકાની ટીમ ગુરૂવારે સાંજે આણંદ-વિદ્યાનગર રોડ પર દબાણ દૂર કરવા મટો પહોંચી હતી. પાલિકાની ટીમ ટાઉનહોલ નજીક ગેરકાયદે લારી-ગલ્લાં જપ્ત કરી આગળ જઈ રહી હતી. ત્યારે અક્ષર ફાર્મ તરફના રોડ પર પાલિકાની દબાણ હટાવતી ટીમના એક કર્મચારી અને સ્થાનિક વચ્ચે માથાકૂટ થઈ હતી. દરમિયાન અજાણ્યા શખ્સે પાલિકાના કર્મચારી ઉપર હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. હુમલો કરનાર એક નગરસેવકના નજીકનો વ્યક્તિ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. સ્થાનિકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડયો હતો. પાલિકા દ્વારા તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પાલિકા દ્વારા અંદાજે ૩૦થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. જોકે, મોડી સાંજ સુધી આ અંગે પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ નહતી