૩૦મીએ નર્મદા ઘાટે વડાપ્રધાન સાંધ્ય મહાઆરતીમાં સામેલ થશે
મહાઆરતીમાં દોઢ લાખ દીવડા પ્રગટાવાશે, આતશબાજી પણ થશે
રાજપીપળા૩૧મી ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી થાય તેની પૂર્વ સંધ્યાએ તા.૩૦મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ગોરા, નર્મદા ઘાટે સાંધ્ય મહાઆરતીમાં સહભાગી બનશે.
નર્મદા મહાઆરતીમાં દોઢ લાખ દીવડા પ્રગટાવાશે, જેથી રેવાનો ઘાટ રોશનીથી ઝળહળી ઉઠશે. સાંધાય આરતી પ્રસંગે આતશબાજી પણ કરવામાં આવશે.
૩૧મી ઓકટોબરે સરદાર પટેલ સાહેબની ૧૪૯મી જન્મ જયંતિ પ્રસંગે એકતાનગર કેવડિયા ખાતે મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ કાર્યક્રમ યોજાશે. ૩૦મીએ સાંધ્ય નર્મદા મહાઆરતીનું દીપ પ્રાગટય વડાપ્રધાનના હસ્તે થશે. જેમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, રાજયના વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ અને લોકોપણ જોડાશે. નર્મદા ઘાટને સુશોભિત કરી ફૂલોથી શણગારવામાં આવશે. નર્મદા કલેકટરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા પરેડ, મહાઆરતી અને દીપોત્સવી પર્વના આયોજન સંદર્ભે બેઠક યોજાઇ હતી.