૨૫ વર્ષના યુવાને ૧૬ વર્ષની સગીરાને ગર્ભવતી બનાવી તરછોડી
સગીરાએ પુત્રને જન્મ આપતા ભાંડો ફૂટયો ઃ દુષ્કર્મ ગુજારનાર અલ્પેશની ધરપકડ
ડેસર તા.૨૮ ડેસર તાલુકામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવ્યા બાદ યુવાને તરછોડી દીધી હતી. સગીરાએ પુત્રને જન્મ આપતાં જ ભાંડો ફૂટતા નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના પગલે પોલીસે યુવાનને ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ડેસર તાલુકાના એક ગામમાં રહેતી સગીરા એક વર્ષ પહેલાં કાછલાપુરા ગામમાં ગઇ હતી ત્યારે ઘોટાગામના અલ્પેશ ઉર્ફે શૈલેષ રાવજી પરમાર (ઉ.વ.૨૫) સાથે મુલાકાત થઇ હતી. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપલે કરી હતી. બંને મોબાઇલ પર વાત કરી ભેગા થતાં હતાં આ સમય દરમિયાન અલ્પેશે સગીરાને ઘોટા ગામની સીમના કોતરમાં તેમજ કુવેચ નદીના કોતરમાં પોતાની હવસનો શિકાર બનાવી હતી.
દરમિયાન સગીરા ગર્ભવતી થતાં તેની જાણ અલ્પેશને કરતાં સગીરા સાથેનો સંપર્ક તોડી નાંખ્યો હતો. આ સમય દરમિયાન સગીરાને છેલ્લા દિવસો ગયા હતા અને કોઇને ખબર ના પડે તેવી રીતે ઘરમાં જ દાયણ પાસે સગીરાની ડિલિવરી કરાવતા સગીરાની તબિયત લથડી હતી. આ વાતની જાણ ગામની આશાવર્કરને થતાં સગીરાને હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી જેના પગલે સગીરાને સયાજી હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ બનાવ અંગે સગીરાએ ડેસર પોલીસ સ્ટેશનમાં અલ્પેશ ઉર્ફે શૈલેષ સામે ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસે આજે તેની ધરપકડ કરી હતી.