૧૦૦ કરોડની પ્રોપર્ટીમાંં મનદુખ થતા તરસાલી અમીન ખડકીમાં વૃદ્ધાની હત્યા

ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી ભાણેજ અને તેના કૌટુુંબિક ભાઇએ મોડીરાતે હત્યાને અંજામ આપ્યો

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
૧૦૦ કરોડની  પ્રોપર્ટીમાંં મનદુખ થતા  તરસાલી અમીન ખડકીમાં  વૃદ્ધાની હત્યા 1 - image

વડોદરા,તરસાલી અમીન ખડકીમાં ગઇકાલે મોડીરાતે ભાણેજ ે અન્ય કૌટુંબિક ભાઇ સાથે મળીને  ૧૦૦ કરોડની પ્રોપર્ટીના વિવાદમાં વૃદ્ધ માસીની હત્યા કરી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા ભાણેજે ખોટી સ્ટોરી ઉપજાવી કાઢી હતી. પરંતુ, પોલીસની  પૂછપરછમાં આરોપી ભાંગી પડયો હતો. અને  ગુનાની કલૂલાત કરી લીધી હતી.

તરસાલી અમીન ખડકીમાં  ૬૭ વર્ષના સુલોચનાબેન હસમુખભાઇ અમીન તેમના ભાણેજ નયન ઉર્ફે લાલુ અતુલભાઇ અમીન સાથે રહેતા હતા.  સુલોચનાબેનના પતિ હસમુખભાઇનું મરણ થયું છે. સુલોચનાબેનને કોઇ સંતાન  નહીં હોવાથી તેઓ નટુભાઇ ધુળાભાઇ અમીનના  દીકરા સંજયને પોતાનો દીકરો માન્યો હતો. સંજય  હાલમાં અમેરિકા છે.

સુલોચનાબેનના કૌટુંબિક સભ્યો નજીકમાં જ  રહે છે. તેમના દૂરનો એક સંબંધી હેમંત અરવિંદભાઇ પટેલ પણ તેમની નજીક જ રહેતો હતો.  હેમંત અવાર - નવાર સુલોચનાબેન પાસેથી  ઉધારમાં  પૈસા લઇ જતો હતો.હેમંતના પરિવારજનો કેનેડા જતા રહેતા તે એકલો જ રહેતો હતો. પરંતુ, દારૃ પીને તે ઘણીવખત ધમાલ કરતો હોવાથી સુલોચનાબેને કેનેડા તેના ફેમિલીને કોલ કરી હેમંતને ઘર ખાલી કરાવવા કહ્યું હતું. તેની રીસ રાખી હતી. 

 આ ઉપરાંત નયન અમીન નાનપણથી જ સુલોચના બેનની સાથે રહેતો હોવાથી તેને આશા હતી કે, સુલોચનાબેન તેઓની પ્રોપર્ટી મને આપશે.પરંતુ, સુલોચનાબેને પોતાની પ્રોપર્ટી અમેરિકા શિફ્ટ થયેલા સંજયના નામે કરી દીધી હતી.

 આ વાતોની રીસ રાખીને નયન અને હેમંતે ભેગા મળીને ગઇકાલે મોડીરાતે સુલોચનાબેનને મોતને ઘાટ ઉતાર્યા હતા. ડીસીપી લીના પાટિલ તથા  એસીપી પ્રણવ કટારિયાની સૂચના મુજબ, મકરપુરા  પી.આઇ. જે.એન. પરમારે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી બંને  હત્યારાઓને ઝડપી પાડયા છે.


નયને લગ્ન કર્યાના બે મહિનામાં જ છૂટાછેડા થઇ ગયા હતા

વડોદરા,સુલોચનાબેનનો ભાણેજ નયન અમીન રેતી કપચીનો ધંધો કરે છે. તેના પિતા અતુલભાઇ અમીન તથા માતા તારાબેન અમીન તેના ભાઇ ભાવેશ સાથે તરસાલીની જય સાંઇધામ  પાર્ક સોસાયટીમાં રહે છે. નયનના  અગાઉ લગ્ન થઇ  ગયા હતા. પરંતુ, બે મહિનામાં છૂટાછેડા થઇ ગયા હતા. અન્ય આરોપી હેમંત પણ દારૃ પીવાની ટેવવાળો હોવાથી તેની પત્ની જતી રહી  હોવાનું પોલીસે જણાવ્યું હતું.


આરોપીઓએ લોહીના ડાઘા સાફ કરી નાંખ્યા  

 વડોદરા,નયન અમીન તથા હેમંત પટેલે ભેગા મળીને સુલોચનાબેનની હત્યા માટે પ્લાનિંગ કર્યુ હતું. મર્ડર કર્યા પછી ઘરમાંથી લોહીના ડાઘા પણ તેઓએ સાફ કરી નાંખી પુરાવાનો નાશ કર્યો હતો. તે ઉપરાંત કપડા પર લાગેલા ડાઘા પણ તેમણે પાણીથી સાફ કરી નાંખ્યા હતા.


હું મોડીરાતે ગરબા રમીને  પરત આવ્યો હતો : ભાણેજ નયન અમીન

વડોદરા,નયન અમીને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એવી સ્ટોરી ઉપજાવી કાઢી  હતી કે,  રાતે હું રાતે ગરબા રમવા ગયો હતો. રાતે દોઢ વાગ્યે હું ગરબા રમીને  પરત આવ્યો હતો. તે સમયે મારા માસીનો રૃમનો દરવાજો બંધ હતો. મને એવું થયું કે, માસી  સોસાયટીમાં બેસવા ગયા હશે. જેથી, બીજી રૃમમાં સૂઇ ગયો હતો. સવારે પાંચ વાગ્યે હું ઉઠયો ત્યારે પણ માસીના રૃમનો દરવાજો બંધ હતો. જેથી,  હું મારા ભાઇ સંજયની હોટલ પર ગયો હતો. અને ત્યાંથી વેઇટરને બેસાડીને  પરત આવ્યો હતો. મારા સંબંધીને પણ મેં ફોન કરીને બોલાવ્યા હતા. તેઓ આવી ગયા પછી અમે રૃમનો દરવાજો ખોલ્યો ત્યારે માસી સુલોચનાબેન ઇજાગ્રસ્ત હાલતમાં પડયા હતા.

પોલીસે અલગ - અલગ થિયરીઓ પર તપાસ કરતા ડિટેક્શન

વડોદરા,ડીસીપી લીના  પાટિલે નયનની પૂછપરછ કરતા તેના પર જ શંકા થઇ હતી. જેથી, પોલીસની ટીમને અલગ - અલગ દિશામાં તપાસ કરવા કહ્યું હતું. જેમાં (૧) સુલોચનાબેનની પ્રોપર્ટીની હાલની માલિકી હતી. તેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સુલોચનાબેને પ્રોપર્ટી દત્તક પુત્ર સંજયને આપ્યા પછી નયનને મનદુખ થયું હતું.(૨) સુલોચનાબેન સાથે અન્ય કોઇને તકરાર હતી કે કેમ ? તેની તપાસમાં એવી વિગતો જાણવા મળી  હતી કે, હેમંત  પટેલને દારૃ પીવાની ટેવ હતી. અને તેણે દારૃ પીને ધમાલ કરી હોવાથી સુલોચનાબેને તેને ભાડે આપેલું પોતાનું મકાન ખાલી કરાવતા હેમંતને પણ ગુસ્સો  હતો.



નયન ખોટું બોલ્યો  પણ મોબાઇલ લોકેશને ફસાવી દીધો

વડોદરા,સુલોચનાબેનની હત્યા કર્યા પછી આરોપી હેમંત તેમનો મોબાઇલ ફોન પોતાની સાથે લઇ  ગયો હતો.

પોલીસે નયનના મોબાઇલ ફોનના લોકેશન ચેક કરતા તેણે જણાવેલી વિગતોમાં વિરોધાભાસ જણાયો હતો. નયનને  પ્રોપર્ટી  અંગે મનદુખ થયું હતું. અને તેની  પાસે મર્ડરનો મોટિવ પણ હતો. જેથી,પોલીસે તેની પૂછપરછ કરતા છેવટે તે ભાંગી પડયો હતો.



માંચીથી પાવાગઢની તળેટી તરફ દાદર વડે ઉતરતા હેમંતને પોલીસે પકડી લીધો

વડોદરા,પોલીસે સ્થળ પર  પહોંચીને તપાસ કરતા સુલોચનાબેનનો મોબાઇલ ફોન  ગૂમ હતો. જેથી, પોલીસે તેમનો મોબાઇલ સર્વેલન્સ પર રાખ્યો હતો. તેમજ શંકાના દાયરામાં આવેલા હેમંતનો મોબાઇલ નંબર પણ સર્વેલન્સમાં રાખ્યો હતો. બંનેના  લોકેશન એક સાથે જ આવતા હતા. અને વારેઘડિયે લોકેશન બદલાતા હતા. હેમંતને પકડવા માટે પી.એસ.આઇ. પી.એ. ડોડિયાનેૈ તેમની ટીમ સાથે મોકલવામાં આવ્યા હતા. અને છેવટે બપોરે હેમંત પાવાગઢમાં હોવાની જાણ થઇ હતી. જેથી, પોલીસે પાવાગઢ બસ સ્ટેન્ડની પાછળના પગથિયા પર વોચ ગોઠવી હતી. અને માચી તરફથી દાદર વડે નીચે ઉતરતા હેમંતને દબોચી લીધો હતો.


નયને મોંઢુ દબાવી હાથ પકડી રાખ્યા, હેમંતે ચાકૂના ઘા ઝીંક્યા

 વડોદરા, આ ગુનાનો માસ્ટર માઇન્ડ નયન જ  હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન  જાણવા મળ્યું છે. નયને જ હેમંતને મર્ડર માટે તૈયાર કર્યો હતો. ગઇકાલે રાતે તેઓ સુલોચનાબેનના રૃમના પાછળના દરવાજેથી અંદર ઘુસ્યા હતા. ત્યારે સુલોચનાબેન જાગતા હતા. તેમણે પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી. પરંતુ, ઉંમરના કારણે તેઓ વધુ  પ્રતિકાર કરી શક્યા નહતા. તેમણે બૂમાબૂમ શરૃ કરતા નયને તેઓનું મોંઢું દબાવી  દીધું અને હાથ પકડી રાખ્યા હતા. ઝનૂન  પર ઉતરી આવેલા  હેમંતે ચપ્પુના ઉપરાછાપરી પાંચથી છ ઘા ઝીંકી  દેતા સુલોચનાબેન ઢળી પડયા હતા.


હેમંત શટલ વાહનોમાં બેસીને પાવાગઢ પહોંચ્યો

વડોદરા, હેમંત પટેલને કોઇ વાહન ચલાવતા આવડતું નથી. એટલે હત્યા કર્યા પછી તે ખાનગી વાહનમાં બેસીને કરજણ આવ્યો અને ત્યારબાદ પોર, ત્યાંથી તે છાણી જકાતનાકા, દુમાડ હાઇવે, ગોલ્ડન ચોકડી, હાલોલ ટાઉન અને છેવટે પાવાગઢ ગયો હતો. જ્યાં પોલીસે તેને ઝડપી લીધો. 


Google NewsGoogle News