વડોદરામાં ન્યાયમંદિર વિસ્તારના વિકાસ માટે વર્ષો જૂના પદ્માવતી શોપિંગ સેન્ટરને હટાવવું પડે
- પદ્માવતી શોપિંગ સેન્ટર મેન્ટેનન્સ પણ વધુ માંગે છે અને ટ્રાફિકને અડચણરૂપ છે
- સેન્ટરના દુકાનદારોને ધંધા રોજગાર માટે વૈકલ્પિક જગ્યા ફાળવી આપવા અનુરોધ
- મ્યુનિસિપલ કમિશનરને વિધાનસભાના મુખ્ય દંડકનો પત્ર
વડોદરા,તા.4 જાન્યુઆરી 2023,બુધવાર
વડોદરામાં ઐતિહાસિક ન્યાયમંદિર તાજેતરમાં વડોદરા કોર્પોરેશનને સરકારે હસ્તાંતરિત કર્યા બાદ માત્ર ન્યાય મંદિર જ નહીં પરંતુ ન્યાયમંદિર વિસ્તારને હેરિટેજ સ્ક્વેર તરીકે વિકસાવવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર વિસ્તારના વિકાસ માટે ન્યાયમંદિરની સામે આવેલું પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરીને ત્યાંના દુકાનદારોને ધંધા રોજગાર માટે નીતિ નિયમ અનુસાર વૈકલ્પિક જગ્યા ફાળવી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકે મ્યુનિસિપલ કમિશનરને આ સંદર્ભે એક પત્ર પણ લખ્યો છે જેમાં તેમણે ઉપરોક્ત માગણી સાથે જણાવ્યું છે કે શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થાપત્યોના સંદર્ભમાં આયોજન હાથ ધરવા, અને શહેરના આ હેરીટેજને વિશ્વ કક્ષાએ લઇ જવા શું થઈ શકે તે માટે સંલગ્ન વિભાગો તથા અધિકારીઓ એક મીટીંગ ત્વરિત યોજવી જોઈએ. ન્યાયમંદિર ઇમારતની ભવ્યતા આગવી છે. ઇમારતની બાજુમાં સુરસાગર તળાવની મધ્યમાં શિવજીની સુવર્ણ જડિત ઉંચી પ્રતિમા આવેલી છે. તળાવની બાજુમાં જ મ્યુઝિક કોલેજ પણ છે. વર્તમાન સમયમાં આ વિસ્તારની ગીચતા, ટ્રાફિકનું ભારણ તથા લારીઓના કારણે આ હેરીટેજ બિલ્ડીંગની દિવ્યતા અને ભવ્યતા ઓછી થઇ રહી છે. આ સમગ્ર બાબતો ધ્યાનમાં લઇને આ વિસ્તારને વિકસાવવામાં આવે તો શહેરની એક આગવી ઓળખ ઉભી થશે, પરંતુ તે માટે ન્યાયમંદિરની સામે પદમાવતી શોપીંગ સેન્ટર કે જે વર્ષો જુનુ હોવાના કારણે મેન્ટેનન્સ પણ વધુ માંગે છે અને ટ્રાફિકને પણ ધણું અડચણરૂપ થાય છે ત્યારે આ પદમાવતી શોપીંગ સેન્ટરને દૂર કરવું જોઈએ. જો આયોજન પ્રમાણે કામ થશે તો આ આખી જગ્યા શહેરમાં આગવી જગ્યા તરીકે વિકસસે. આ તમામ બાબતો અંગે વિચાર વિમર્શ કરી આયોજન હાથ ધરવું જોઈએ અને આ અંગે તાત્કાલિક એક મીટીંગ બોલાવવી જોઈએ.