ધંધો રોજગારી નહી મળતા પ્રૌઢનો ફાંસો ખાઇને આપઘાત
રાતે ઉઠેલી પુત્રીએ જોયું તો પિતા પંખા પર ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા
વડોદરા,ધંધો રોજગારી નહી હોવાથી ડિપ્રેશનમાં રહેતા પ૯ વર્ષના પ્રૌઢે પંખા પર દુપટ્ટા વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુભાનપુરા હાઇ ટેન્શન રોડ પર લિસા પાર્કમાં રહેતા ૫૯ વર્ષના પીયૂષભાઇ વિષ્ણુપ્રસાદ પાઠક છૂટક કામ કરતા હતા. તેમના પત્નીનું એક વર્ષ પહેલા મોત નિપજ્યું હતું. પુત્રી સાથે રહેતા હતા. ગઇકાલે તેમની પુત્રી કોલેજથી ઘરે આવીને સૂઇ ગઇ હતી. મોડીરાતે તેણે ઉઠીને જોયું તો ટિફિન બંધ જ હતું. તેણે જઇને તપાસ કરી તો તેના પિતા પંખા પર ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા.પુત્રીએ મામાને ફોન કરીને જાણ કરી હતી. બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પોલીસે પૂછપરછ કરતા સગાઓ પાસેથી એવી વિગતો જાણવા મળી હતી કે, પીયૂષભાઇને છેલ્લા કેટલાક સમયથી ધંધો રોજગારી મળતી નહી હોવાથી તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા. અને ડિપ્રેશનના કારણે જ તેમણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.