શહેરમાં જૂની ગેસ પાઇપ લાઇનો ૯.૫૦ કરોડના ખર્ચે બદલાશે
૭ હજાર કુટુંબોના કનેકશનોને ફાયદો થશે તબક્કાવાર તમામ જૂની લાઇનોનું નેટવર્ક બદલાશે
વડોદરા,વડોદરા શહેર વિસ્તારમાં ગેસની જૂની પાઇપ લાઇનો બદલવાની કામગીરીનો આજથી પ્રારંભ થયો છે. મહેતાપોળ માંડવી ખાતે આ કામગીરીનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરમાં જૂની લાઇનો બદલવા પાછળ આશરે ૯.૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
જૂના શહેર વિસ્તારમાં વર્ષો જૂની ગેસલાઇનો છે. જેના કારણે ગેસ પ્રેશરના પણ પ્રશ્નો રહેતા હતા અને લોકો આ સંદર્ભે રજૂઆતો કરતા હતા. જૂની લાઇનો હોવાના કારણે આમ બનતું હતું. માંડવી મહેતાપોળ, વાડી, ગાજરાવાડી, ભૂતડીઝાંપા, પાણીગેટ, કારેલીબાગ, દાંડિયાબજાર, ખારીવાવ રોડ, બાવામાનપુરા વગેરે વિસ્તારમાં આ કામગીરીને લીધે આશરે ૭૩ કિલોમીટરનું જૂના પાઇપલાઇન સ્થાને નવું નેટવર્ક આકાર લેશે. જેના લીધે ૭૦૦૦ કુટુંબોના કનેકશનોને ફાયદો થશે, અને પ્રેશરની તકલીફ દૂર થશે. વડોદરા ગેસ લિમિટેડ સ્વખર્ચે આ કામગીરી કરી રહ્યું છે અને આ માટે લોકો માથે કોઇ ભારણ પડવાનું નથી. ધીમે ધીમે શહેરમાં જ્યાં પણ જૂનું નેટવર્ક છે ત્યાં નવું નેટવર્ક નાખવામાં આવશે. હવે પછી છાણી વિસ્તારમાં પણ કામગીરી કરવામાં આવશે અને ત્યાં અઢી હજાર કુટુંબોના કનેકશનને ફાયદો થશે. આ કામગીરીની અસર ત્રણ ચાર મહિનામાં જોવા મળશે, તેમ વિધાનસભાના દંડકે જણાવ્યું હતું.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન, અને ગેઇલ ગેસ લિ.ની સંયુક્ત કંપની વડોદરા ગેસ લિ. દ્વારા શહેરમાં આશરે ૨.૩૦ લાખ રહેણાંક ઘરોમાં પાઇપલાઇનથી ગેસ પુરવઠો અપાય છે.