પબ્લિક હેલ્થ લેબોરેટરીનો સત્તાવાર રિપોર્ટ : વડોદરા શહેરના વોર્ડ નં.11, 13 અને 19માં ડ્રેનેજ મિશ્રિત પાણીનું વિતરણ થયું
Vadodara Dirty Water : પ્રતિ વર્ષ ચોમાસામાં વડોદરા શહેરના નાગરિકોએ ગંદા પાણીની મોકણથી પીડાવવાનું નસીબમાં લખેલું જ છે! પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ અનુસાર, વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ મિશ્રિત પાણી વિતરણ થયું હતું. ત્યારે હવે તંત્રએ અહીં મારામતની કામગીરી હાથ ધરી છે.
પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ મુજબ વોર્ડ નંબર 11માં આવેલ આશ્રય પાર્ક અને ગુલાબ વાટીકા સોસાયટી, તાંદળજા, ઓમ એવન્યુ, દિવાળીપુરા ખાતે ડ્રેનેજ મિશ્રિત પાણી વિતરણ કરાયું છે. તેવી જ રીતે, વોર્ડ નંબર 13માં વિઠ્ઠલ સોસાયટી અને પ્રેમ સ્મૃતિ એપાર્ટમેન્ટ, આર.વી.દેસાઈ રોડ અને કહાર મહોલ્લો, નવાપુરામાં વિતરણ થતાં પાણીમાં સુવેઝનું કોન્ટામીનેશન જણાઈ આવ્યું છે. જ્યારે વોર્ડ નં.19 અયોધ્યા ટાઉનશીપ અને ઘનશ્યામ નગર, મકરપુરા રોડ ખાતે પણ નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહ્યું નથી. પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ બાદ હવે એન્જિનિયરિંગ સહિતના વિભાગોએ અહીં મરામતની કામગીરી શરૂ કરી લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે એવા પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું છે.