વડોદરામાં વોર્ડ નંબર-01ની ઓફિસ રૂ.2 કરોડના ખર્ચે તૈયાર છતાં ઉદ્ઘાટન માટે મંત્રીના સમયની રાહ જોવાઈ રહી છે
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના વહીવટી વોર્ડ બાર હતા તેના સ્થાને ચૂંટણી વોર્ડ પ્રમાણે નવી વોર્ડની પુનઃ રચના કરી 19 વોર્ડ બનાવવામાં આવ્યા તેમાં વોર્ડ નંબર એકની ઓફિસ બનાવવા પાછળ રૂ.બે કરોડનો ખર્ચ કરી તૈયાર કરવામાં આવી છે. પરંતુ કોર્પોરેશન ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે. જેથી નવીને નવી ઓફિસ ધૂળ ખાતી થઈ ગઈ છે.
વડોદરા કોર્પોરેશનના મેયર પદે કેયુર રોકડિયાની નિમણૂક થયા બાદ તેઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને લોકોને કામગીરી માટે દૂર સુધી વોર્ડ ઓફિસમાં જવું પડે નહીં તેને ધ્યાનમાં રાખી વહીવટી વોર્ડ હતા. તેના સ્થાને ચૂંટણી વોર્ડ પ્રમાણે 19 વોર્ડ બનાવવામાં આવ્યા હતા. તેમાં કેટલીક જગ્યાએ હજી ઓફિસો બનાવવાની બાકી છે તો બીજી બાજુ વોર્ડ નંબર એકની ઓફિસ બે કરોડના ખર્ચે તૈયાર થઈ ગઈ છે. પરંતુ કોઈ મંત્રીના હસ્તે ઉદઘાટન કરવાનું બાકી રાખી ઓફિસ શરૂ કરવામાં આવતી નથી અને ધૂળ ખાતી પડી રહી છે.
આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે જણાવ્યું હતું કે વોર્ડ નંબર એકની ઓફિસ હાલમાં છાણી ગામમાં આવેલી છે તે ખૂબ જ નાની છે. એટલું જ નહીં સમગ્ર વોર્ડ નંબર એક લોકોને જાણી ગામ સુધી કામ માટે જવું પડતું હતું. જેથી નવો વોર્ડ થતાં માંગણી કરી હતી કે ટીપી 13 માં વોર્ડ ઓફિસ બનાવવામાં આવે તે જરૂરી છે અને તે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને આ નવી ઓફિસ બનાવવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી તેનો ઉદ્ઘાટન કરવામાં આવતું નથી અને આ ઓફિસ ધૂળ ખાતી રહી છે.