સ્માર્ટ વીજ મીટરમાં ગ્રાહકોને પ્રિપેઈડની સાથે પોસ્ટ પેઈડનો વિકલ્પ પણ આપો, ઉપભોકતા અધિકાર સંગઠનની રજૂઆત
Smart Meter Controversy : વડોદરામાં સ્માર્ટ વીજ મીટરો લગાવવાની કામગીરી સામે છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા ના મળ્યુ હોય તેવુ સ્વયંભૂ આંદોલન શરૂ થયુ છે.
ગ્રાહક સુરક્ષા સંગઠનો પણ તેની સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આજે ઉપભોકતા અધિકાર સંગઠન(કન્ઝ્યુમર રાઈટસ ઓર્ગેનાઈઝેશન) દ્વારા જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
સંગઠને કહ્યુ હતુ કે, સ્માર્ટ મીટરો લગાવ્યા બાદ લોકોના વીજ બિલમાં વધારો થયો હોવાની ફરિયાદો આવી રહી છે. ગ્રાહકોને પૂરી જાણકારી આપ્યા વગર સ્માર્ટ મીટરો લગાવીને વીજ કંપનીએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકોને મળેલા સાત અધિકારોનુ હનન કર્યુ છે. જેમાં રાઈટ ટૂ ચૂઝ અને રાઈટ ટુ બી ઈન્ફોર્મડનો પણ સમાવેશ થાય છે.
સંગઠને માંગ કરી હતી કે, ગ્રાહક પાસે મંજૂરી લીધા બાદ જ મીટરો લગાવવામાં આવે, જો કોઈ ગ્રાહક ના પાડે તો તેને ધમકી આપવામાં ના આવે...સ્માર્ટ મીટરની ચોકસાઈ અને ખરાઈ કરવા માટે એક કમિટિ બનાવવામાં આવે...તથા સ્માર્ટ મીટરો અને જૂના મીટરોના વપરાશનુ ચેકિંગ કરવામાં આવે અને ઓછામાં ઓછા 200 મીટર ઉપરોકત કમિટિ દ્વારા ચકાસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે.
ઉપભોકતા અધિકાર સંગઠનના સભ્યોએ એમ પણ કહ્યુ હતુ કે, સ્માર્ટ મીટર માટેની જે એપ છે તેમાં પણ ખામીઓ છે. તેને કન્ઝ્યુમર ફ્રેન્ડલી બનાવવાની જરૂર છે. સૌથી મહત્વની વાત એ છે કે સ્માર્ટ મીટરમાં માત્ર પ્રિપેઈડનો જ વિકલ્પ કેમ છે? તેમાં ગ્રાહકોને પોસ્ટ પેઈડની પણ સુવિધા પૂરી પાડવામાં આવે.