દાહોદ જિલ્લામાં બહુચર્ચિત બોગસ NA હુકમો, નકલી પ્રોપર્ટી કાર્ડ પ્રકરણમાં ફોજદારી ગુનો દાખલ થશે
૧૭૯ સર્વે નંબરોમાં ગેરરીતિઓ પકડાઇ હતી ૭ અધિકારીઓને પોલીસ કાર્યવાહી માટે અધિકૃત કર્યા
દાહોદ,દાહોદમાં બહુચચત નકલી એનએના હુકમો, નકલી પ્રોપર્ટી કાર્ડ, વિવિધ કચેરીઓના બિનખેતી હેતુફેર, હુકમો કે જે ઈ ધરા કેન્દ્ર, તાલુકા પંચાયત કચેરી, સીટી સર્વે કચેરી, જિલ્લા પંચાયત,અને કલેક્ટર કચેરીના હતા, જેમાંથી અનેક હુકમો તપાસમાં સંદીગ્ધ જણાઈ આવ્યા હતા. આવા હુકમો કરવા બદલ ફોજદારી ગુનો દાખલ કરાવવા કલેકટર દ્વારા હુકમ કરાયો છે.
જેતે કચેરીના નામનો ઉપયોગ કરી ખોટા હુકમો સાથે વિવિધ નોંધો દાખલ કરી ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું હતું. આ પ્રકરણમાં ઘનિષ્ઠ તપાસ કરવા દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડેએ પ્રાંત અધિકારી એન.બી રાજપૂતના વડપણ હેઠળ એક ટીમ બનાવી હતી. આ ટીમે પ્રાથમિક તપાસ અને સ્થળ ચકાસણી હાથ ધરી હતી. જે દરમિયાન અંદાજે ૧૭૯ સર્વે નંબરોમાં અનેક ગેરરીતિઓ થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેનો રિપોર્ટ કલેકટરને કર્યો હતો. આ રિપોર્ટની ખરાઈ અને તપાસ પૂર્ણ થતા ઉક્ત કચેરીઓમાં ખોટા હુકમોને સાચા તરીકે ઉપયોગ કરી નોંધો દાખલ કરી હોવાનું તેમજ પ્રોપર્ટી કાર્ડ પણ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ બાબત ગુનાઇત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. જિલ્લા કલેકટરે જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી દાહોદ, એસએલઆર, ડીઆઇએલઆર, દાહોદ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, ચીટનીશ ટુ કલેક્ટર, થતા દાહોદ-તાલુકા વિકાસ અધિકારીને તેઓની કચેરીના નામનો ઉપયોગ કરીને જે સંદીગ્ઘ હુકમો થયા છે તે બાબતે ગુનો દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષકના પરામર્શમાં ં રહી ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરાશે. કલેકટર કચેરીના જે હુકમો થયા છે. તેમાં ચીટનીશ ટુ કલેકટર - દાહોદને પોલીસ અધિક્ષક સાથે પરામર્શમાં રહી ગુનો દાખલ કરવા અધિકૃત કર્યા છે, તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ,મહેસૂલ વિભાગ, જમીન સુધારણા કમિશ્નર, મહેસૂલ તપાસણી કમિશનરની કચેરી-ગાંધીનગરને આ અંગેની જાણ કરવામાં આવી છે.