નવજાત બાળકીને ત્યજીને જતી રહેનાર માતા સામે ગુનો
સોનોગ્રાફી માટે મહિલા ગઇ પછી પરત આવી જ નહીં
વડોદરા,નવજાત બાળકીને ત્યજીને સયાજી હોસ્પિટલમાંથી રવાના થઇ જનાર મહિલા સામે રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
અકોટા ગિરિકંદરા એપાર્ટમેન્ટમાં રહેતા અને સયાજી હોસ્પિટલમાં આઠ મહિનાથી મેડિસિન યુનિટમાં રેસિડેન્ટ ડોક્ટર યજ્ઞોશ સોમસીંગભાઇ રાઠવાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૬ મી એ હું ફરજ પર હતો. તે સમયે એક દર્દી ગીતાબેન પંકજભાઇ ડિંડોર, ઉં.વ.૨૨ ( રહે. ધનગામ ચીખલી, ડુંગરપુર, રાજસ્થાન) ડેન્ગ્યૂની બીમારીના કારણે ગત તા. ૨૬ મી જૂને દાખલ થયા હતા. આ મહિલાએ તા. ૨૪ મી એ રૃકમણી હોસ્પિટલમાં એક બેબીને જન્મ આપ્યો હતો. દર્દીને તા. ૨૬ મી એ સાંજે પાંચ વાગ્યે સોનોગ્રાફી માટે મોકલી હતી. તે દરમિયાન કોઇને જાણ કર્યા વગર તે જતી રહી હતી. રાવપુરા પોલીસે બાળકીને ત્યજીને જતી રહેનાર માતા સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.