વડોદરામાં સન 1886માં 30 તળાવો હતા તેમાંથી 17નું અસ્તિત્વ છે, 13 ગાયબ થઇ ગયા
લુપ્ત થયેલા 13 તળાવોનું ક્ષેત્રફળ 27 એકર હતું, જે 17 બચ્યા છે તેનુ કુલ ક્ષેત્રફળ પણ 121માંથી ઘટીને 92 એકર થઇ ગયુ
1884 થી 1886ના વડોદરાના સિટી સર્વેના નક્સામાં બ્લુ ભાગ દેખાય છે તે 30 તળાવો છે |
વડોદરા : વડોદરામાં માનવ સર્જિત પૂરે વિનાશ નોતર્યો. પૂરના કારણે પ્રજાના જાન-માલને ભારે નુકસાન થયુ. જો કે આ પૂરના કારણે ભ્રષ્ટાચારના પોપડા પણ ઉખડી જતાં શાસકોના પાપ જાહેર થઇ રહ્યા છે. છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી અનેક નિષ્ણાંતો અને સંસ્થાઓ નદી-કાંસ અને તળાવો ઉપર દબાણના મામલે સ્પષ્ટ રજૂઆતો કરી રહ્યા છે. પણ રજૂઆતોને કચરામાં ફેંકી દેવામાં આવે છે. આવી જ એક રજૂઆત વૈજ્ઞાાનિક પધ્ધતિથી કરેલા સર્વેના રિપોર્ટ સાથે કરવામાં આવી હતી કે વડોદરામાં ૧૮૮૬માં ૩૦ તળાવોનું અસ્તિત્વ હતુ પણ તેમાથી ૧૩ તળાવો સંપૂર્ણ ગાયબ થઇ ગયા છે અને જે ૧૭ બચ્યા છે તેનો વિસ્તાર પણ ૨૫ ટકા ઘટી ગયો છે.
ઇન્ડિયના નેશનલ આર્ટ્સ એન્ડ કલ્ચરલ હેરિટેજ - ગુજરાતના કો કન્વિનર સંજીવ જોષી અને તેની ટીમે વર્ષ ૨૦૦૯માં 'વડોદરામાં લુપ્ત થતા જળાશયો' વિષય ઉપર વૈજ્ઞાાનિક ઢબે સંશોધન કરીને તેનો રિપોર્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પેરેશન અને ગુજરાત સરકારને સોંપ્યો હતો. સંજીવ જોષી કહે છે કે અમે ૧૮૮૩ થી ૧૮૮૬ દરમિયાનના વડોદરાના સિટી સર્વેના નક્સાઓનો પ્રથમ અભ્યાસ કર્યો જેમાં વડોદરા શહેરની હદમાં ૩૦ તળાવો હતા. આ ૩૦ તળાવોનું કુલ ક્ષેત્રફળ ૧૪૯ એકર હતું.
2009માં ગુગલ મેપ દ્વારા લેવામાં આવેલી તસવીમાં વડોદરામાં બચેલા 17 તળાવો દેખાય છે. |
જે બાદ ૨૦૦૯માં ગુગલ મેપના આધારે સર્વે કર્યો તો જાણવા મળ્યુ કે ૩૦ તળાવોમાંથી ૧૩ તળાવોનું અસ્તિત્વ જ ખતમ થઇ ગયુ છે તેની ઉપર બાંધકામો થઇ ગયા છે. જે તળાવો લુપ્ત થઇ ગયા તેનું કુલ ક્ષેત્રફળ ૨૭ એકર હતું. આ ૩૦ તળાવોમાંથી જે ૧૭ તળાવો બચ્યા તેના ક્ષેત્રફળમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આ ૧૭ તળાવોનું કુલ ક્ષેત્રફળ ૧૮૮૬માં ૧૨૧.૬ એકર હતું જે ૨૦૦૯માં ઘટીને ૯૨ એકર થઇ ગયુ છે. કુલ મળીને ૧૩ તળાવો ગાયબ થઇ ગયા અને વરસાદી પાણી તથા વિશ્વામિત્રીના પૂરના પાણીને સમાવવાની ક્ષમતા ધરાવતા વિસ્તારોમાં ૫૬ એકરનો ઘટાડો પણ થયો. વર્ષ ૨૦૦૫માં વડોદરામાં આવેલા પૂર બાદ ફરીથી પૂરની સ્થિતિ ના આવે તે કારણથી અમે આ સર્વે કર્યો હતો અને તેને રિપોર્ટ સંબંધિત સત્તાધીશોને સોંપવામાં આવ્યો હતો. ગોરવા અને ગોત્રી સહિતના તળાવો પછીથી શહેરી વિસ્તારમાં ભળ્યા હતા એટલે તેનો ઉલ્લેખ આ રિપોર્ટમાં નથી.
સમાં તળાવની |
હાલમાં અસ્તિત્વ ધરાવતા તળાવો
૧) ગણુવાઘ
૨) મહાજન
૩) વારસિયા
૪) સરસીયા-૧
૫) સરસીયા -૨
૬) મસાણ
૭) અજાબ
૮) રાજારાણી
૯) સુલતાન -૨
૧૦)સિંગોડા
૧૧) મહાદેવ
૧૨) રામ
૧૩) ખંડેરાવ
૧૪) સિધ્ધનાથ
૧૫) સુરસાગર
૧૬) કાશિવિશ્વનાથ
૧૭) ભંડાર
લુપ્ત થયેલા તળાવો
૧) ખારી
૨) સુલતાન-૧
૩) રામ ગોમતિ
૪) વિશ્વવનાથબાવા
૫) બાપુ હરગરે
૬) ફાટા
૭) ગોયા
૮) કાસરા
૯) કાનસરા
૧૦) મદન
૧૧) કિલેદાર
૧૨) ભેસાણા
૧૩) ભીમનાથ
શહેરી વિસ્તારમાં પછીથી ભળેલા તળાવો
૧) ગોરવા તળાવ
૨) ગોત્રી તળાવ
૩) લક્ષ્મીપુરા તળાવ
૪) સોમા તળાવ