ગોરવાના પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ લઇ આવતા ટેન્કરમાંથી પેટ્રોલ ચોરવાનું કૌભાંડ
વડોદરાઃ ગોરવાના પેટ્રોલપંપ ઉપર આવી રહેલા ટેન્કરમાંથી પેટ્રોલનો ફુવારો ઉડતાં પેટ્રોલ ચોરી કરવાનું વ્યવસ્થિત કૌભાંડ કરવામાં આવતું હોવાની પોલ ખૂલી હતી અને આ મુદ્દે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ગોરવામાં પેટ્રોલપંપ ધરાવતા યશવંતભાઇ દેસાઇએ પોલીસને કહ્યું છે કે,દુમાડ ખાતેથી આઇઓસીના ટર્મિનલમાંથી ઓર્ડર મુજબ ટેન્કર આવે એટલે અમારો કર્મચારી તેના પર નજર રાખતો હોય છે.ગઇકાલે ટેન્કર બહાર નીકળ્યું ત્યારબાદ પેટ્રોલનો ફુવારો ઉડતાં મારા કર્મચારીએ ડ્રાઇવર ઇલિયાસખાનને જાણ કરી હતી.જેથી ડ્રાઇવરે નીચે ઉતરીને એક વાલ્વ બંધ કરતાં લીકેજ બંધ થયું હતું.ત્યારબાદ મારા કર્મચારીએ વીડિયો ઉતાર્યો હોવાથી ડ્રાઇવરે રૃપિયા લઇને આ વાત મારા સુધી નહિ પહોંચાડવા માટે કહ્યું હતું.ફુવારો ઉડતાં મારી ટેન્કરનું ૧૫૦ લિટર પેટ્રોલ(રૃ.૧૩૪૩૪) રેલાઇ ગયું હતું.
યશવંતભાઇએ કહ્યું છે કે,મારા કર્મચારીએ ડ્રાઇવરની વાત નહિ માનીને મને વીડિયો મોકલ્યો હતો.ત્યારબાદ મેં કંપનીને જાણ કરતાં ત્યાંથી આવેલી કમિટીએ તપાસ કરી ચોરી થતી હોવાનો રિપોર્ટ આપ્યો હતો.આ દરમિયાન ડ્રાઇવર ઇલિયાસખાન અજીતખાન રાઠોડ(ગોરવા) ભાગી ગયો હતો.જ્યારે,મારૃતિ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટનો માલિક અને વહીવટકર્તા મુકેશ મારવાડી કમિટી સમક્ષ હાજર થયા નહતા.જેથી ગોરવા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.