BPCLની ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ, ડ્રાઇવર-ક્લિનર પકડાયાઃલકી રોડવેઝનો માલિક વોન્ટેડ
વડોદરાઃ ભારત પેટ્રોલિયમ કંપનીમાંથી પેટ્રોલ પંપ ઉપર રવાના કરાતા પેટ્રોલિયમ પેદાશોની ચોરીના કિસ્સા અવારનવાર બહાર આવતા હોય છે.રણોલી વિસ્તારમાં આવી જ રીતે ટેન્કરમાંથી ડીઝલ કાઢતા ડ્રાઇવર-ક્લિનરને પોલીસે રંગેહાથ ઝડપી પાડી ૨૦ લીટર ડીઝલ અને ટેન્કર સહિત કુલ રૃ.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રણોલી રોડ પર મોબાઇલ ટાવર સામે આરીફ ઓટો ઇલેકટ્રિકની દુકાન પાસેની ખુલ્લી જગ્યામાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતું હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.
પોલીસે બીપીસીએલમાંથી ભરૃચના લુવારા ખાતેના પેટ્રોલપંપ જવા નીકળેલી ટેન્કરના ડ્રાઇવર સરતનસિંહ ગુલાબસિંહ રાઠોડ(સિગ્નલી ગામ,લુણાવાડા,મહિસાગર) અને ક્લિનર સુરેશ ગુલાબસિંહ પગી (સરાડીયા ગામ,શહેરા,પંચમહાલ)ને ઝડપી પાડી ડીઝલ ચોરવાની પાઇપ,કારબા,ટેન્કર, રોકડ રકમ અને મોબાઇલ કબજે કર્યા હતા.
પોલીસની પૂછપરછ દરમિયાન બંને જણાએ લકી રોડવેઝના માલિક લક્ષ્મણ રાયસિંગભાઇ ભરવાડ (કૈલાસ પતિ સોસાયટી,રણોલી)ના કહેવાથી જુદી જુદી વખતે ડીઝલ ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી.જેના બદલામાં તેમને પગાર અને કમિશન મળતું હતું.જેથી પોલીસે લક્ષ્મણ ભરવાડ ઉપરાંત તપાસ દરમિયાન મળી આવે તેવા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.