વિદ્યાર્થીઓના વિઝા માટે નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું
સીઆઇડી ક્રાઇમના દરોડામાં ભાંડો ફૂટયો
કુડાસણમાં આવેલી ધ હોપરેજ એજયુકેશન પ્રા.લીના માલિક અને કોમ્પ્યુટર ઓપરેટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં ગત શનિવારે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી એજન્સીઓને ત્યાં સીઆઇડી ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે ગાંધીનગરના કુડાસણમાં લેન્ડમાર્ક મોલમાં આવેલી હોપરેજ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડમાં વિદ્યાર્થીઓના વિઝા માટે નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જે સંદર્ભે સીઆઇડી ક્રાઇમ દ્વારા તેના માલિક સહિત બે વ્યક્તિઓ સામે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં હાલ વિદ્યાર્થી હોય કે અભ્યાસ કરી ચૂકેલા યુવાનો વિદેશ જવા માટે ઉત્સુક રહેતા હોય છે અને વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી કેટલીક એજન્સીઓ દ્વારા અલગ અલગ દેશના વિઝા સરળતાથી આપવાની લાલચ આપીને મસ મોટા કરોડોના કૌભાંડ આચરવામાં આવતા હોય છે. રાજ્યમાં વ્યાપક બનેલી આ સંદર્ભેની ફરિયાદોને પગલે સીઆઈડી ક્રાઈમ દ્વારા ગત શનિવારે ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા સહિતની વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગરના કુડાસણમાં આવેલા લેન્ડમાર્ક મોલમાં આવેલી ધ હોપરેજ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ટીમને દારૃની બે બોટલ મળી આવતા પ્રોહીબિશન હેઠળ તેના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે આ પોલીસ ટીમો દ્વારા વધુ તપાસ કરવામાં આવતા કોમ્પ્યુટર થી અલગ અલગ વિદ્યાર્થીઓની ધોરણ ૧૦ અને ૧૨ની બનાવટી માર્કશીટ મળી આવી હતી. આ ઉપરાંત મરણનું પ્રમાણપત્ર પણ મળી આવ્યું હતું. સીઆઇડી ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ કોમ્પ્યુટરની તપાસ કરીને ડેટા એફએસએલમાં પણ મોકલી આપવામાં આવ્યો છે. માણસાની દેવભૂમિ સોસાયટીમાં રહેતા માલિક કિશન ભરતભાઈ પટેલની કેબીનમાંથી અલગ અલગ ૧૭ જેટલા ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે વિદ્યાર્થીઓને વિદેશમાં જવું હોય અને માર્ક્સ ઓછા પડતા હોય તેમને બનાવટી માર્કશીટ બનાવીને વિઝા આપવામાં મદદ કરવામાં આવતી હતી. આ પ્રકારે અગાઉ કેટલા વિદ્યાર્થીઓને વિદેશ મોકલવામાં આવ્યા છે અને માર્કશીટ સિવાય અન્ય કયા પ્રકારના બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરવામાં આવતા હતા તે તમામ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો સીઆઇડી ક્રાઇમ દ્વારા કિશન ભરતભાઈ પટેલ અને આ ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા પ્રેમ પરમાર સામે બનાવટી દસ્તાવેજો ઉભા કરવા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય વ્યક્તિઓ સામેલ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.