દરગાહ ખાતે માનસિક બીમારી દૂર કરવા આવેલી યુવતીની બહેન પર બળાત્કાર
મારી પત્નીને સંતાન થતા નથી, એટલે હું તારી સાથે લગ્ન કરીશ તેવું કહી દુષ્કર્મ આચરી મુજાવર ફરી ગયો
ઝઘડિયા.ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે આવેલી દરગાહના મુજાવરે બીમારી દૂર કરવાના બહાને યુવતીને રૃમમાં રાખી લગ્ન કરવાની લાલચ આપી મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ મુંજાવર લગ્નની વાતથી ફરી ગયો હતો. આ અંગે રાજપારડી પોલીસે ગુનો દાખલ કરી મુંજાવરને ઝડપી પાડયો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે આવેલ બાવાગોર દરગાહ ખાતે ઇમ્તિયાઝ ઉર્ફે સફુ બાપુ મહંમદ નુબી, ઉં.વ.૪૩ (રહે. બાવાગોર દરગાહ, રતનપોર, તા.ઝઘડિયા, જિ.ભરૃચ ) મુજાવર તરીકે કામ કરી બાવાગોર દરગાહ ખાતે રૃમમાં રહેતો હતો. અવાર નવાર આ ધામક સ્થળ ઉપર પોતાની મનોકામના લઇ અન્ય કોમના લોકો પણ દરગાહ ખાતે આવતા હોય છે.
છેલ્લા એક વર્ષથી એક હિન્દુ મહિલા તેની માનસિક અસ્વસ્થ મોટી પુત્રીની બીમારી દૂર કરવા માટે બાવાગોર દરગાહ ખાતે જતી હતી. જેનો લાભ ઉઠાવી મુજાવરે માતાને કહ્યું હતું કે, તમારે ૪૦ દિવસ અહીંયા રહેવું પડશે. હું જે પાણી આપું તે પીવું પડશે ત્યારબાદ તમારી દીકરી સારી થઇ જશે. જેથી, માતા અને મોટી પુત્રી ત્યાં જ રોકાઇ ગયા હતા. મહિલાની નાની દીકરી પણ દર ગુરૃવારે દરગાહ પર દર્શન કરવા જતી હતી. તેના પર મુજાવરની નજર બગડી હતી. મુજાવરે માતાને કહ્યું કે, તમારી નાની દીકરી પર પણ થોડી અસર થઇ છે. તેને પણ અહીંયા રહેવું પડશે. માતા તેની બંને દીકરીઓ સાથે ત્યાં જ રહેતી હતી. સવારે માતા અને મોટી દીકરી ડુંગર પરની રૃમ પરથી નીચે ઉતરી દરગાહે જતા હતા. તે દરમિયાન નાની દીકરી રૃમ પર એકલી જ રહેતી હતી. તેનો લાભ ઉઠાવી મુજાવરે નાની દીકરીને કહ્યું કે, મારી પત્નીને સંતાન થતા નથી. એટલે હું તારી સાથે લગ્ન કરીશ. ત્યારબાદ મુંજાવરે નાની દીકરીની મરજી વિરૃદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ સિલસિલો ચાલુ રહ્યો હતો. ત્યારબાદ યુવતીએ લગ્નની વાત કરતા મુજાવર ફરી ગયો હતો. તેણે એવી ધમકી આપી હતી કે, આ વાત બહાર ના જવી જોઇએ. નહીંતર તારા પરિવારને જાનથી મારી નાંખીશ. યુવતીએ આ અંગે માતાને વાત કરતા મુજાવરનો ભાંડો ફૂટયો હતો. મુજાવર વિરૃદ્ધ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પી.એસ.આઇ. કે.બી.મીરે આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે સફુ બાપુ મહંમદ નુબીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.