BPCLની ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ,પાંચ પકડાયાઃ28 લાખનો મુદ્દામાલ કબજે
ડીસીપી પન્ના મોમાયાની ટીમે વોચ રાખી ડીઝલ ચોર ગેંગને રંગેહાથ ઝડપી પાડી
વડોદરાઃ વડોદરા નજીકના જાહેર સાહસોમાંથી પેટ્રોલિયમ પેદાશો લઇ નીકળતી ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરવાના કૌભાંડનો ફરી એક વાર પર્દાફાશ થયો છે.ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ ગઇરાતે ત્રાટકેલી પોલીસે ડીઝલ ચોરતી ગેંગને રંગેહાથ ઝડપી પાડી રૃ.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જાહેર સાહસોમાંથી નીકળતી ટેન્કરોને આંતરી લઇ કિંમતી કેમિકલ અને પેટ્રોલિયમ પેદાશો ચોરી લેવાનું મોટેપાયે ષડયંત્ર ચાલતું હોવાના ભૂતકાળમાં અવારનવાર કિસ્સા બન્યા હોવા છતાં કાલાસોનાના સોદાગરો સક્રિય છે.જેથી પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને આ બાબતે નજર રાખવા આદેશ આપ્યો હતો.
દુમાડ ચોકડીથી છાણી સર્વિસ રોડ વચ્ચે નીલકંઠ ટ્રેક્ટરની ગલીમાં ધુ્રવ ટ્રાન્સપોર્ટ પાસેના પ્લોટમાં આવી જ રીતે ભારત પેટ્રોલિયમની ડીઝલ લઇ જાંબુઘોડાના નીલકંઠ પેટ્રોલપંપ ઉપર જવા નીકળેલી ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવી રહ્યું હોવાની વિગતો મળતાં ડીસીપી ઝોન-૪ પન્ના મોમાયા ની સૂચના મુજબ સમા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી રાઠોડ અને ટીમે વોચ રાખી હતી.
પોલીસે રાતે અંધારામાં એક ટેન્કરની ઉપર ચડી ઢાંકણું ખોલીને પાઇપ વડે કારબા ભરી રહેલા ડ્રાઇવર નારાયણ ભગવાનભાઇ યાદવ તેમજ વાન લઇને ડીઝલના કારબા લેવા આવેલો કિરિટ રમણભાઇ રાઠવા તેમજ અન્ય ત્રણ જણાને ઝડપી પાડી ૨૨૦ લીટર ડીઝલ ભરેલા પાંચ કારબા,૨૦ હજાર લીટર ડીઝલ અને પેટ્રોલ ભરેલી ટેન્કર,વાન સહિતની મત્તા કબજે કરી હતી.
ડીઝલ ચોરી કૌભાંડનો માસ્ટર માઇન્ડ કોણ,આરોપીઓને રિમાન્ડ પર લેવાશે
ડીઝલ ચોરી કૌભાંડનો માસ્ટર માઇન્ડ કોણ છે તેની માહિતી કઢાવવા માટે પકડાયેલા આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
આરોપીઓ કેટલા સમયથી પેટ્રોલ-ડીઝલ ચોરી કરતા હતા અને ડિલિવરી લેવા માટે વાન તેમજ કારબા લઇને આવેલો કિરીટ રાઠવા કોના ઇશારે કામ કરતો હતો તેની માહિતી મેળવવા પોલીસ પૂછપરછ કરી રહી છે.
આકાશ ટ્રાન્સપોર્ટની ટેન્કર કબજે લીધી
સમા પોલીસના પીઆઇ એમ બી પટેલે ડીઝલ ચોરી કૌભાંડની તપાસ માટે વડોદરા તાલુકાના રાયકા ગામે રહેતા પ્રિતેશ ગાંધીની આકાશ ટ્રાન્સપોર્ટની ટેન્કર કબજે લઇ વધુ તપાસ જારી રાખી છે.
ડીઝલ ચોરી કૌભાંડમાં પકડાયેલા આરોપીઓની વિગત
નામ સરનામું ભૂમિકા
નારાયણ ભગવાન યાદવ ધુ્રવ ટ્રાન્સપોર્ટ પાસે,દુમાડ મૂળ યુપી ડ્રાઇવર
રાવજી વિરાભાઇ નાયક સંતોષી નગર,છાણી મૂળ અમેઠી યુપી ક્લીનર
કિરીટ રમણભાઇ રાઠવા લક્ષ્મીપાર્ક,છાયાપુરી ડિલિવરી લેનાર
રવિ નગીનભાઇ નાયક સંતોષી નગર,છાણી મૂળ છોટાઉદેપુર મદદગાર
મહેન્દ્રસિંગ ભગવાનસિંગ ચૌહાણ માધવનગર,દશરથ મૂળ રાજસ્થાન મદદગાર
પોલીસે શું શું કબજે કર્યું
- ૨૦ હજાર લીટર પેટ્રોલ-ડીઝલ નો જથ્થો કિંમત રૃ.૧૮.૭૬ લાખ
- ટેન્કર રૃ.૮ લાખ
- પાંચ મોબાઇલ
- મારૃતીવાન
- ૨૨૦ લીટર ડીઝલ ભરેલા પાંચ કારબા
- રીફિલિંગ માટેની પાઇપ.