Get The App

ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ,ત્રણ આધાર સાથે રાહુલ ઝડપાયોઃએક જ ફોટા પર 29 સિમકાર્ડ ઇસ્યુ થયા

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ,ત્રણ આધાર સાથે રાહુલ ઝડપાયોઃએક જ ફોટા પર 29 સિમકાર્ડ ઇસ્યુ થયા 1 - image

વડોદરાઃ દેશની આંતરિક સુરક્ષા માટે જોખમી એવા ડુપ્લિકેટ આધારકાર્ડ તૈયાર કરવાના કૌભાંડનો વડોદરા સાયબર સેલે પર્દાફાશ કર્યો છે.પોલીસે એક જ ફોટાવાળા ત્રણ આધાર કાર્ડ સાથે રાહુલ વાઘેલાને ઝડપી પાડી નેટવર્કની તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા રોડ વિસ્તારના હિરલ પટેલ નામના એક ફેક્ટરી માલિકનો મોબાઇલ પર બેન્કમાંથી રૃ.એક લાખના ટ્રાન્ઝેક્શનના વેરિફિકેશન માટે ફોન આવતાં તેઓ ચોંક્યા હતા અને સાયબર પોર્ટલ પર જાણ કરી હતી.આ અરજીની તપાસ વડોદરા સાયબર સેલને મોકલવામાં આવી હતી.જેથી એસીપી હાર્દિક માંકડિયાએ ટીમ બનાવી બેન્ક ખાતાની તપાસ કરાવતાં પાંચ બેન્ક એકાઉન્ટમાં રૃ.૨.૭૫લાખ ટ્રાન્સફર થયા હોવાની માહિતી મળી હતી.

આ  બેન્ક એકાઉન્ટની ડીટેલ તપાસતાં તેમાં રાહુલ મનસુખલાલ વાઘેલા (આર્ય વિલા,આનંદ પાર્ટી પ્લોટ,ન્યુ રાણીપ, અમદાવાદ)ની વિગતો મળી હતી.પરંતુ બેન્ક એકાઉન્ટમાં રજિસ્ટર થયેલા મોબાઇલ ર્ંનંબર અલગ હતા.પોલીસે જુદાજુદા સિમકાર્ડની ડીટેલ તપાસતાં દરેકમાં ફોટો રાહુલનો હતો.પરંતુ નામો અલગ હતા.જેથી પોલીસે તપાસ કરતાં રાહુલે પોતાનો ફોટો મુકાવી જુદાજુદા નામના ત્રણ આધારકાર્ડ બનાવ્યા હોવાની વિગતો ખૂલી હતી.

રાહુલના નામે બનેલા આધારકાર્ડને આધારે ૨૯ સિમકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાની માહિતી બહાર આવી છે.જ્યારે,રાહુલ મોબાઇલ ડિસ્ટ્રિબ્યુટર પાસે જઇને લાઇવ ફોટો આપીને સિમકાર્ડ મેળવતો હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ છે.જેથી પોલીસે તેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરી છે.

ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવનારને શોધવા રાહુલની પૂછપરછ

ડુપ્લિકેટ આધારકાર્ડ દેશની આંતરિક સુરક્ષા માટે પણ જોખમી હોવાને કારણે તેને તૈયાર કરવાના નેટવર્કની તપાસ પોલીસ માટે મહત્વની બની છે.રાહુલના ફોટાનો ઉપયોગ કરી ડુપ્લિકેટ આધારકાર્ડ કોણે બનાવ્યા,ક્યાં બનાવ્યા અને આવા કેટલા કાર્ડ  બન્યા છે તે મુદ્દો તપાસનો વિષય હોવાથી પોલીસે રાહુલની પૂછપરછ જારી રાખી છે.


Google NewsGoogle News