પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતા પરિણીત પ્રેમીનો આપઘાત
તું તારા પરિવારને સાચવ, હવે આપણે સંબંધ રાખવો નથી
વડોદરા,પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા પરિણીત પ્રેમીએ ઓઢણી વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે માંજલપુર પોલીસે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજકોટના ભગવતીપરામાં રહેતો વસીમ ફિરોજભાઇ સોલંકી, ઉં.વ.૨૬ લક્ઝરી બસ ચલાવે છે. તેને માંજલપુર વિસ્તારમાં રહેતી એક વિધવા સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. અવાર - નવાર વસીમ આવીને પ્રેમિકાના ઘરે રોકાતો હતો. ગઇકાલે પણ તે પ્રેમિકાના ઘરે આવ્યો હતો. ફિરોજ પરિણીત હોઇ પ્રેમિકાએ તેને સમજાવ્યો હતો કે, હવે આપણે સંબંધ રાખવો નથી. તું તારા પરિવારને સાચવ. ત્યારબાદ પ્રેમિકા શાકભાજી લેવા માટે ગઇ હતી. તે પરત આવી ત્યારે વસીમે ઓઢણી વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે માંજલપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.