સોશિયલ મીડિયા પર યુવક સાથે મિત્રતા કરનાર યુવતી પર બળાત્કાર
મહિલાએ ના પાડતા યુવકે લાફા ઝીંકી દઇ જબરજસ્તી કરી : આરોપી જેલ ભેગો
વડોદરા,ભરૃચના યુવક સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થયા પછી વડોદરાની યુવતીના ઘરે એક દિવસ તે યુવક આવ્યો હતો. યુવતીને માર મારી યુવકે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી એક યુવતીને પતિ સાથે તકરાર થતા ડિવોર્સનો કેસ ચાલે છે. હાલમાં તે અઢી વર્ષના પુત્ર સાથે એકલી રહે છે. અગાઉ તે એક મોલમાં ચાલતા ગેમ ઝોનમાં નોકરી કરતી હતી. પરંતુ, ગેમ ઝોન બંધ થઇ જતા તે હાલ કોઇ કામ ધંધો કરતી નથી. છ મહિના પહેલા તેનો પરિચય ભરૃચના ભડકોદરા વિસ્તારમાં રહેતા સંજુ સેબસ્ટિયન નામના યુવક સાથે પરિચય થયો હતો. તેઓ વચ્ચે મોબાઇલ પર મેસેજ અને વાતચીત શરૃ થયા હતા. થોડા સમય પહેલા યુવતી બીમાર પડતા સંજય તેની તબિયત પૂછવા માટે ઘરે ગયો હતો. તેણે યુવતીને શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું હતું. પરંતુ, યુવતીએ ના પાડતા સંજયે તેને બે ત્રણ લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદ યુવતીને બેડ પર સૂવડાવીને તેણે બળજબરી કરી હતી. જે અંગે યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી સંજયની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.