શહેરનો હાર્દ સમો ન્યાયમંદિર વિસ્તાર લારી, ગલ્લા, પથારાવાળા અને રીક્ષાચાલકોના હવાલે
વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો ચાન્સેઝની તા.૨૮ના રોજ વડોદરાના એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષનુ ઉદઘાટન કરવાના છે.તેમની વડોદરા મુલાકાતને ધ્યાનમાં રાખીને વડોદરાનુ કોર્પોરેશન શહેરની કાયાપલટ કરી રહ્યું છે પણ શહેરનો હાર્દ સમો ન્યાય મંદિર વિસ્તાર લારી, ગલ્લા, પથારાવાળા અને રીક્ષાવાળાઓના હવાલે થઈ ગયો છે.હજારો લોકો રોજ હેરાન થઈ રહ્યા છે પણ તેના પર તંત્રનું ધ્યાન જઈ રહ્યું નથી.
દરેક દિવાળીએ ન્યાયમંદિર વિસ્તાર શહેરીજનો માટે નર્ક સમાન બની જાય છે એન તેમાં પણ આ વખતે તો પદમાવતી શોપિંગ સેન્ટરની બહાર અડધો રસ્તો રોકીને લારીઓ અને રીક્ષાવાળા ઉભા રહે છે.આસપાસની જગ્યાઓ પર પથારાવાળાઓ કબ્જો જમાવીને બેસી ગયા છે.આમ વાહનો ચાલકો અને લોકો માટે તો અવર જવર કરવા માટે અડધા કરતા પણ ઓછો રસ્તો ઉપલબ્ધ રહે છે અને રોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.દિવાળીની ઘરાકીએ તો સ્થિતિ વધારે ખરાબ કરી નાંખી છે અને તેમાં પણ રીક્ષાચાલકોની રીક્ષાઓમાંથી નીકળતા ધૂમાડાના કારણે આ વિસ્તારમાં લોકો માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે.સીએનજીથી ચાલતી રીક્ષાઓમાંથી ધૂમાડા કેવી રીતે નીકળી શકે તે પણ એક સવાલ છે.ન્યાયમંદિરમાં હેરિટેજ સ્કેવર બનાવવાની વાતો થાય છે પણ હેરિટેજ સ્કેવરની આસપાસના વિસ્તારમાં ચાલવાની જ જગ્યા નહીં હોય તો હેરિટેજ સ્કેવર સુધી લોકો આવશે જ નહીં.
વડોદરા કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ ન્યાયમંદિર વિસ્તારના દૂષણથી અજાણ છે તે તેવું નથી પરંતુ કોઈ કારણસર અહીંયા દબાણ શાખા અને ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી રહી નથી.બીજી તરફ વડોદરાવાસીઓ મૂંગા મોઢે આ તકલીફ સહન કરી રહ્યા છે.