Get The App

રફતારનો કહેર, વડોદરામાં રોડ અકસ્માતોમાં ઈજાગ્રસ્તોની સંખ્યા પાંચ વર્ષમાં બમણી

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
રફતારનો કહેર, વડોદરામાં રોડ અકસ્માતોમાં  ઈજાગ્રસ્તોની સંખ્યા પાંચ વર્ષમાં બમણી 1 - image

વડોદરાઃ રસ્તા પર બેફામ ડ્રાઈવિંગ કરનારાઓની સંખ્યા વધી રહી છે.રોડ સેફટી અંગે જાગૃતિના અભાવની વચ્ચે અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની પોલીસની આળસ વચ્ચે વડોદરામાં માર્ગ અકસ્માતોમાં ઘાયલ થનારા લોકોની સંખ્યા પાંચ  વર્ષમાં બમણી થઈ ગઈ છે.

૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા અપાયેલા આંકડા પ્રમાણે જોવામાં આવે તો વડોદરામાં ૨૦૨૪માં ઓકટોબર મહિના સુધીમાં  રોડ અકસ્માતોમાં ૭૪૮૩ લોકો ઘાયલ થયા હતા.ડિસેમ્બર સુધીમાં આ આંકડો ૮૦૦૦ને પાર કરી જાય તેવી શક્યતાઓ છે.કારણકે ૨૦૨૩ના વર્ષમાં રોડ અકસ્માતોમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૮૫૧૦ હતી.

રસ્તા પર વાહનોની સંખ્યા વધી રહી છે અને તેની સાથે સાથે વાહનોને બેફામ રીતે હંકારનારા, ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.જેની સીધી અસર રોડ અકસ્માતો પર જોવા મળી રહી છે.૨૦૨૦માં ૩૬૪૫ લોકો રોડ અકસ્માતોમાં ઈજાગ્રસ્ત થયા હતા.પાંચ  જ વર્ષમાં આ સંખ્યા બમણી થઈ ચૂકી છે.પાંચ વર્ષનો સરવાળો કરવામાં આવે તો ૩૨૩૮૩ લોકોને રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલોમાં લઈ જવાની ફરજ પડી હતી.

ધ્યાન ખેંચનારી વાત એ પણ છે કે, ઘાયલ થનારા લોકોમાં ૩૦ ટકા જેટલી સંખ્યા તો ૨૧ થી ૩૦ વર્ષના લોકોની છે.આ વર્ષે ઈજાગ્રસ્ત થનારાઓમાં ૨૬૪૬ લોકો આ વયજૂથના છે.

જાણકારોનું માનવું છે કે, માર્ગ અકસ્માતોની સંખ્યા ભવિષ્યમાં ઘટશે તેવુ કહેવું મુશ્કેલ છે.કારણકે લોકોમાં જાગૃતિનો અભાવ છે અને ટ્રાફિક નિયમોને નહીં ગણકારીને વાહન ચલાવનારાઓ સામે ભાગ્યે જ કોઈ કાર્યવાહી થતી હોવાથી ઘણા લોકો બેખોફ બનીને ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે.

રોડ અકસ્માતોના આંકડા પર નજર 

વય જૂથ ૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૪

નવજાત ૨૧

શિશું ૨૦

૧ થી ૧૦ વર્ષ ૫૪ ૮૨ ૯૯ ૧૧૬ ૬૭

૧૧ થી ૨૦ વર્ષ ૩૪૮ ૫૫૦ ૭૫૨ ૯૬૭ ૮૮૮

૨૧ થી ૩૦ વર્ષ ૧૨૧૭ ૧૮૯૪ ૨૧૯૪ ૨૬૪૬ ૨૩૪૬

૩૧ થી ૪૦ વર્ષ ૮૩૦ ૧૨૫૧ ૧૬૦૦ ૧૯૫૧ ૧૬૪૪

૪૧ થી ૫૦ વર્ષ ૬૦૪ ૯૨૩ ૧૧૪૭ ૧૩૩૯ ૧૨૦૪

૫૦ થી ઉપર ૫૮૬ ૧૦૧૨ ૧૨૩૨ ૧૪૬૮ ૧૨૯૩

લોકોમાં રોડ સેફટી કલ્ચરનો અભાવ 

સૌથી વધારે અકસ્માતો વધારે પડતી ઝડપના કારણે થાય છે 

ઝડપ માપવા માટેના ઈક્વિપમેન્ટ પણ અપૂરતા નિયમોનું પાલન કરાવવાના મિકેનિઝમનો અભાવ 

રોડ સેફટી એક્ષપર્ટ તેમજ એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીના અધ્યાપક તથા એક વર્ષ સુધી ઉત્તરપ્રદેશ સરકારમાં રોડ સેફટી એડવાઈઝર તરીકે કામ કરી ચૂકેલા ઉમંગ મોદી કહે છે કે, માર્ગ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે.કારણકે સુરક્ષાના નિયમોનું પાલન થતું નથી અને સરકાર પાસે લોકો આ નિયમોનું પાલન કરે તે પ્રકારનુ મિકેનિઝમ નથી.સૌથી વધારે અકસ્માતો સ્પીડના કારણે થાય છે પરંતુ તેને અંકુશમાં લેવા માટે કોઈ કાર્યવાહી થઈ રહી નથી.ઓવર  સ્પિડિંગ માટે માટે દંડ કરવાનું તો પછી આવે પણ ઝડપ માપવા માટેના ઉપકરણો પણ પૂરતા નથી.ઉપરાંત ભારતમાં માર્ગ સુરક્ષાનુ કલ્ચર લોકોમાં પણ વિકસ્યું નથી.કારણકે તેના માટે લોકોને દંડ થતો નથી અને સુરક્ષા નિયમોના ઉલ્લંઘનની ગંભીરતા લોકોને સમજાતી નથી.લોકોમાં આ બાબતને લઈને જાગૃતિ લાવવાનું અભિયાન સતત ચાલવુ જોઈએ.એ વગર ભારતમાં લોકોની માનસિકતા બદલવાનું મુશ્ક્લ છે.ખાસ કરીને યુવાઓને શિક્ષિત કરવાની જરુર છે.યંગ જનરેશન વધારે જોખમી રીતે વાહનો ચલાવે છે.

યમદૂત સમા ભારદારી વાહનો માટેનું જાહેરનામુ માત્ર કાગળ પર 

વડોદરામાં ટ્રાફિકના નિયમોનો અમલ કરાવવામાં પોલીસનું ઉદાસીન વલણ પણ જવાબદાર છે.મોટાભાગના ચાર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ જોવા મળતા નથી.યમદૂત બનીને ફરતા અને લોકોનો ભોગ લેતા ભારદારી વાહનોને શહેરમાં સવારે સાત થી બપોરે બે અને સાંજે ચાર થી નવ દરમિયાન પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતા ડમ્પર સહિતના ભારદારી વાહનો શહેરના રોડ પર જોવા મળે છે.પ્રતિબંધનું જાહેરનામુ કાગળ પર જ રહ્યું છે.

ભારતમાં ૨૦૨૨ના વર્ષમાં ૪.૬૧ લાખ રોડ અકસ્માતો સર્જાયા 

ભારતની વાત કરવામાં આવે તો ૨૦૨૨માં ૪.૬૧ લાખ રોડ અકસ્માતો થયા હતા અને તેમાં ૧.૬૮ લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા.૪.૪૩ લાખ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.રોડ અકસ્માતો પૈકી ૩૩ ટકા નેશનલ હાઈવે પર, ૨૩ ટકા સ્ટેટ હાઈવે પર અને ૪૩ ટકા અકસ્માતો અન્ય રસ્તાઓ પર સર્જાયા હતા.

નશો કરીને વાહન ચલાવવાનું ચલણ પણ વધી ગયું છે 

લોકોની સાયકોલોજી પણ અકસ્માતો  પાછળ જવાબદાર છે.સયાજી હોસ્પિટલના સાયકોલોજી વિભાગના ડો.ચિરાગ બારોટ કહે છે કે, ૧૮ થી ૩૦ વર્ષના લોકોમાં જોખમ લેવાની વૃત્તિ વધારે હોય છે.પૂરઝડપે બાઈક ચલાવનારા મોટાભાગના લોકો આ વયજૂથમાં જ જોવા મળતા હોય છે.માટે જ અકસ્માતોમાં ઈજા પામનારાઓમાં આ વય જૂથના લોકો વધારે હોય છે.ઉપરાંત વ્યસનનું પ્રમાણ વધી ગયું હોવાથી લોકો નશાની હાલતમાં પણ વાહનો ચલાવતા હોય છે.માત્ર દારુ નહીં હવે તો લોકો બીજા પ્રકારનો નશો કરીને પણ વાહનો ચલાવતા થઈ ગયા છે.


Google NewsGoogle News