એમ.એસ.યુનિ.માં ભણતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 747 પર પહોંચી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષથી ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૭૪૭ પર પહોંચી છે.જે અગાઉના કોઈ પણ વર્ષ કરતા વધારે છે.
મળતી વિગતો પ્રમાણે આ વર્ષે વિવિધ ૨૨ દેશોના ૧૨૮ વિદેશી વિદ્યાર્થીઓને ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન થકી પ્રવેશ અપાયો છે.કેટલાક વિદ્યાર્થીઓએ સ્વતંત્ર રીતે પ્રવેશ લીધો છે.
યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર પ્રો.ધનેશ પટેલનુ કહેવુ છે કે, આ વર્ષથી પ્રવેશ આપવા માટેના ધારાધોરણોને વધારે આકરા બનાવાયા છે. જેના કારણે આ વર્ષે દર વર્ષ કરતા ઓછા પ્રવેશ આપવામાં આવ્યા છે.સાથે સાથે ગત વર્ષથી એન્જિનિયરિંગમાં પણ પ્રવેશ આપવાનુ શરુ કરાયુ છે.ગયા વર્ષે નવ વિદ્યાર્થીઓને ટેકનોલોજીમાં પ્રવેશ અપાયોહ તો અને આ વર્ષે પ્રવેશ લેનારા ૧૨૮ વિદ્યાર્થીઓ પૈકી ૨૭ વિદ્યાર્થીઓને ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.નવી નીતિના કારણે હવે આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ સૌથી વધારે રસ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે બતાવી રહ્યા છે.
પ્રો.પટેલના કહેવા અનુસાર આ વર્ષે જે નવા દેશોના વિદ્યાર્થીઓ ઉમેરાયા છે તેમાં માડાગાસ્કર, ઈન્ડોનેશિયા, ઈથોપિયા, ફિલિપાઈન્સ અને ઈસ્તિવિનિયાનો સમાવેશ થાય છે.કેમ્પસમાં લગભગ ૫૦ કરતા વધારે દેશોના વિદ્યાર્થીઓ હવે અભ્યાસ કરી રહ્યા છે.૨૦૧૬માં યુનિવર્સિટીમાં માત્ર ૧૩ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.
યુનિવર્સિટીમાં વર્ષ પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓ
૧૬-૧૭ ૧૨
૧૭-૧૮ ૧૨
૧૮-૧૯ ૮
૧૯-૨૦ ૬૨
૨૦-૨૧ ૧૨૮
૨૧-૨૨ ૫૫૭
૨૨-૨૩ ૬૪૭
૨૩-૨૪ ૭૪૭