યુનિ.ના હોસ્ટેલ કેમ્પસના મેદાનમાં દારુની સેંકડો ખાલી બોટલો દેખાઈ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસના ખુલ્લા મેદાનમાં ફેંકી દેવામાં આવેલી સેંકડો દારુની ખાલી બોટલોએ હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઉભા કર્યા છે.
યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં આવેલા જે એમ હોલની સામે કોમ્યુનિટી સેન્ટર બનાવાયેલુ છે અને તેની પાછળ ખુલ્લુ મેદાન છે.આ મેદાનમાં દારુની ખાલી બોટલો જોવા મળી રહી છે.
જે દર્શાવે છે કે, હોસ્ટેલ કેમ્પસમાં રાતના અંધારામાં ખુલ્લેઆમ દારુ પીવાય છે.આ જ મેદાનથી થોડે દૂર યુનિવર્સિટીની હેડ ઓફિસ આવેલી છે અને અહીંયા સિક્યુરિટીની ઓફિસ પણ છે.જોકે સિક્યુરિટીને દારુની મહેફિલો નજરે નથી પડી રહી અથવા સિક્યુરિટીએ એવુ માની લીધુ છે કે, હેડ ઓફિસ અને વાઈસ ચાન્સેલરની જ સુરક્ષામાં સમગ્ર યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા આવી જાય છે.
વિદ્યાર્થી આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે આ મેદાનમાં રાતના અંધારામાં દારુની મહેફિલો જામે છે અને એ પછી દારુની ખાલી બોટલો ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે.આ મહેફિલોમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને બહારના તત્વો પણ સામેલ હોય છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૧૫ ઓગસ્ટે પણ હોસ્ટેલના રુમમાં ધોળા દિવસે દારુની મહેફિલ ઝડપાઈ હતી.એ પછી હોસ્ટેલમાં અણધાર્યુ ચેકિંગ કરવા સહિતની સુરક્ષા માટે મોટી જાહેરાતો થઈ હતી.જોકે આ જાહેરાતો માત્ર કાગળ પર જ રહી હોય તેમ લાગે છે.સવાલ એ છે કે, કેમ્પસમાં સુરક્ષા માત્ર કાગળ પર જ રહેવાની હોય તો સિક્યુરિટી કંપનીઓને કરોડો રુપિયા કેમ આપવામાં આવી રહ્યા છે?