વીસી અને સિક્યુરિટી ઓફિસરના રાજીનામાની માંગ સાથે MSU હેડ ઓફિસની તાળાબંધી
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીમાં હોસ્ટેલ મેસ ફી ફરજિયાત કરવા સામે વાઈસ ચાન્સેલરના બંગલે આંદોલન બાદ 200 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાના નિર્ણયના પગલે ઉભો થયેલો વિવાદ વધારેને વધારે વકરી રહ્યો છે છતાં સરકારના શિક્ષણ વિભાગની જાડી ચામડી પર કોઈ અસર થઈ રહી નથી.
આજે એનએસયુઆઈએ વાઈસ ચાન્સેલર અને સિક્યુરિટી ઓફિસરના રાજીનામાની માંગ સાથે યુનિવર્સિટી હેડ ઓફિસની તાળાબંધી કરતા યુનિવર્સિટીનુ તંત્ર અને પોલીસ દોડતું થઈ ગયું હતું.
એનએસયુઆઈ પ્રમુખે કહ્યું હતું કે, એસી ઓફિસમાં બેસીને વહીવટ કરતા વાઈસ ચાન્સેલરને ખુરશી પર બેસવાનો અધિકાર નથી.યુનિવર્સિટીના સિક્યુરિટી ઓફિસર પણ વિદ્યાર્થી વિરોધી છે. તેમણે જ હોસ્ટેલના 200 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
એનએસયુઆઈએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, સિક્યુરિટી ઓફિસર એસ.કે.વાળા યુનિવર્સિટીના નહીં પણ સિક્યુરિટી એજન્સીમાંથી પગાર મેળવે છે. આમ છતાં તેમને યુનિવર્સિટીની ઓફિસ, યુનિવર્સિટીની ગાડીની સુવિધાઓ આપવામાં આવી છે. યુનિવર્સિટીમાં સિક્યુરિટીમાં મોટો ભ્રષ્ટાચાર પણ ચાલી રહ્યો છે.
વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, વાઈસ ચાન્સેલર અને સિક્યુરિટી ઓફિસર રાજીનામુ નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલું રહેશે.