યુનિ.સત્તાધીશો રજૂઆત સાંભળતા નહીં હોવાથી વિદ્યાર્થીઓ કલેકટર પાસે પહોંચ્યા

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
યુનિ.સત્તાધીશો રજૂઆત સાંભળતા નહીં હોવાથી વિદ્યાર્થીઓ કલેકટર  પાસે પહોંચ્યા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પહેલા વર્ષના વિદ્યાર્થીઓની દયનીય  સ્થિતિ છે.એફવાયનુ શિક્ષણ શરુ થયે ૪૫ દિવસ થયા પણ હજી સુધી નથી સિલેબસ જાહેર થયો કે નથી પેપરો નક્કી થયા.

કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં સફળ થયા નથી.બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશો પણ કોમર્સના ડીનનો ખુલાસો પૂછી રહ્યા નથી ત્યારે આજે વિદ્યાર્થીઓ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ વીસી હાય..હાય..ના નારાથી કલેકટર કચેરીનુ કેમ્પસ ગજવી દીધુ હતુ.

એનએસયુઆઈનુ કહેવુ છે કે, વાઈસ ચાન્સેલર અમારી રજૂઆત સાંભળવા માટે તૈયાર નથી ત્યારે અમારે હવે કલેકટરને હસ્તક્ષેપ કરવા માટે અપીલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.એફવાયબીકોમના વિદ્યાર્થીઓ સિલેબસને લઈને અંધારામાં છે.તેમની પરીક્ષા ક્યારે લેવાશે તેની પણ કોઈને ખબર નથી.

વિદ્યાર્થીઓએ કલેકટરને સંબોધીને રજૂઆત કરતા કહ્યુ હતુ કે, કોમર્સ ફેકલ્ટી અને યુનિવર્સિટીના સત્તાધીશો જે રીતે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છે તે જોતા તો હવે કલેકટર કોઈ કાર્યવાહી કરે તે જરુરી બની ગયુ છે.અમારે ના છૂટકે બીજો કોઈ વિકલ્પ નહીં બચ્યો હોવાથી કલેકટર પાસે આવવુ પડયુ છે.

જોકે હવે વિદ્યાર્થીઓની રજૂઆત બાદ જિલ્લા કલેકટર  વિદ્યાર્થીઓના હિતમાં દરમિયાનગીરી કરશે કે કેમ તે એક સવાલ છે.



Google NewsGoogle News