MSU હેડ ઓફિસ બહાર વિડિયો ઉતારનારા વિદ્યાર્થીની ફેંટ પકડીને ધક્કા-મુક્કી, અટકાયત
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઓછી કરવા સામે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓના અવાજને કચડવા માટે હવે યુનિવર્સિટી સત્તાધીશોએ સિક્યુરિટીને છુટ્ટો દોર આપી દીધો છે.
જેના પગલે આજે પણ એનએસયુઆઈના કાર્યકરો અને સિક્યુરિટી ઓફિસર વચ્ચે ઘર્ષણ થયુ હતુ.એનએસયુઆઈના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, સિક્યુરિટીની જોહુકમીએ હવે માઝા મૂકી છે.આજે એનએસયુઆઈના કાર્યકર સુઝાન લાડમેનને હેડ ઓફિસ ખાતે વિડિયો ઉતારવા બદલ સિકયુરિટી ઓફિસર સુદર્શન વાળાએ ખોટી રીતે અટકાયત કરીને બેસાડી દીધો હતો અને પોલીસ પર તેની ધરપકડ કરવા માટે દબાણ કર્યુ હતુ.
કાર્યકરોની મદદ માટે દોડી ગયેલા એનએસયુઆઈના પૂર્વ પ્રમુખ હિતેશ દેસાઈ તથા અત્યારના પ્રમુખ અમર વાઘેલાએ આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિડિયો ના ઉતારાય તેવો કોઈ નિયમ નથી .તેમ છતા સિક્યુરિટી ઓફિસર સુદર્શન વાળાએ વિદ્યાર્થીની ફેંટ પકડી હતી, તેને ધક્કા માર્યા હતા અને ખભા પર નખોરિયા ભરી લીધા હતા.સયાજીગંજ પોલીસની ભૂમિકા પણ વિવાદાસ્પદ રહી હતી અને પોલીસ કર્મીઓએ સિક્યુરિટી ઓફિસરના ઈશારે વિદ્યાર્થીને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પૂર્વ પ્રમુખે કહ્યુ હતુ કે, સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત બેઠકો ઘટાડવા સામે થઈ રહેલા વિરોધને વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવના ઈશારે કચડી નાંખવાનો કારસો રચાયો છે.વાઈસ ચાન્સેલરના ઈશારે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરનારા સુદર્શન વાળાને સિક્યુરિટી ઓફિસરના હોદ્દા પરથી દૂર કરવા માટે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.
એનએસયુઆઈેએ સિક્યુરિટી ઓફિસર સામે સયાજીગંજ પોલીસમાં અરજી આપી
સ્થાનિક વિદ્યાર્થીઓની અનામત બેઠકો ઘટાડવાના નિર્ણય સામે રજૂઆત કરનાર એનએસયુઆઈના કાર્યકરો સામે યુનિવર્સિટીમાં ગેરકાયદેસર ઘૂસણખોરીનો આરોપ મૂકીને સયાજીગંજ પોલીસ મથકે અરજી આપી છે ત્યારે હવે એનએસયુઆઈએ પણ સયાજીંગજ પોલીસ મથકમાં વળતી અરજી આપીને કહ્યુ છે કે, તા.૨૨ના રોજ અમે આવેદનપત્ર આપવા માટે ગયા ત્યારે સિક્યુરિટી ઓફિસર સુદર્શન વાળાએ અમને ગાળો ભાંડી હતી અને અમારી સાથે મારામારી ધક્કા મુક્કી કરી હતી.તેમણે બહાર મળશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.એનએસયુઆઈના કોઈ પણ કાર્યકરને કશું પણ થયુ તો જવાબદારી સુદર્શન વાળાની રહેશે.વિદ્યાર્થીઓ ફરી રજૂઆત કરવા જશે તો સિક્યુરિટી ઓફિસર ફરી ધમકી આપે તેવી શક્યતા છે.આથી અમને પોલીસ રક્ષણ આપવામાં આવે.