MSUની કોમર્સમાં ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે વિરોધ, NSUIએ નકલી નોટો ઉડાડી, ધક્કા ખાઈ કંટાળેલા વાલીઓ રડી પડયા
M S University Vadodara : ધો.12ની પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં આપવાના નિર્ણયની સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. જોકે વાઈસ ચાન્સેલર અને ડીનની જીદ સામે લાચાર વિદ્યાર્થીઓ અને વાલીઓની પડખે શહેરના રાજકારણીઓ ઊભા રહેવા માટે તૈયાર નથી.
આજે એનએસયુઆઈ દ્વારા પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓે પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગમાં ડીનની ઓફિસની બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. એનએસયુઆઈના કાર્યકરોએ કહ્યું હતું કે, યુનિવર્સિટી સત્તાધીશો ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટે કોમર્સમાં પ્રવેશ નથી આપી રહ્યા.
વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે અને પૈસાથી સત્તાધીશો ખરીદાઈ ગયા હોવાના આક્ષેપના સમર્થનમાં નકલી નોટો ઉડાડી હતી. જો કે એનએસયુઆઈના કાર્યકરોને ડીન તો મળ્યાં જ નહોતા. બીજી તરફ રજૂઆત કરવા માટે આવેલા એક મહિલા ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
આ મહિલાએ કહ્યું હતું કે, ‘હું 10,000ના પગારની નોકરી કરું છું અને નોકરીમાંથી રજા પાડીને મારી દીકરીના પ્રવેશ માટે ધક્કા ખાઈ રહી છું. પૈસાવાળાને પ્રવેશ મળી જાય છે અને ગરીબ પ્રવેશથી વંચિત રહી જાય છે. અમારી પાસે તો ખાનગી યુનિવર્સિટીમાં ભણાવવા માટે પૈસા નથી. અમે વડોદરાના રહેવાસી છે અને તે નાતે અમને વડોદરામાં જ પ્રવેશ મળવો જોઈએ.’