એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશ મુદ્દે NSUI દ્વારા આંદોલન : વિદ્યાર્થીઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી
M S University Vadodara : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ કોલેજમાં 75 ટકા સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા બાદ એડમિશન અટકી જતા બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓમાં સ્વયંભૂ આક્રોશ ફાટી નીકળ્યો છે. કાળો દિવસ મનાવાયા બાદ વધુ કેટલાક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની જાહેરાત છતાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા વિદ્યાર્થીઓ મક્કમ બન્યા છે. યુનિ હેડ ઓફિસ આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોવા છતાં એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિસ્તાર ગજવ્યો હતો. અને રસ્તા પર બેસી આંદોલન કરતાં પોલીસ અનેક વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને લઈ ગઈ જતા વિદ્યાર્થીઓ વધુ ઉશ્કેરાયા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે કાળો દિવસ મનાવાયા બાદ કોમર્સ કોલેજમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે એવી જાહેરાત છતાં તમામ વિદ્યાર્થીઓને જ્યાં સુધી પ્રવેશ ન મળે ત્યાં સુધી સ્વયંભૂ આંદોલન ચાલુ રાખવા વિદ્યાર્થીઓ મક્કમ છે. વડોદરાનો એક પણ વિદ્યાર્થી પ્રવેશ માટે વંચિત રહેવો જોઈએ નહીં એવા નિર્ધાર સાથે એનએસયુઆઈ દ્વારા આજે યુનિવર્સિટી હેડ ઓફિસે એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓ સાથે મળીને ભારે સુત્રોચ્ચાર શરૂ કર્યો હતો. જ્યારે બીજી બાજુ ઘટના સ્થળને છાવણીમાં ફેરવી દેવાયું હોવા છતાં પણ આકર્ષિત વિદ્યાર્થીઓએ તેમનું સ્વયંભૂ આંદોલન ચાલુ રાખ્યું હતું. ભારે સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે સિવિલ ડ્રેસમાં ધસી આવેલી પોલીસ અનેક વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.