માંજલપુરમાં બાઇક સવારે મોપેડને ટક્કર મારતા એન.આર.આઇ.નું મોત
ભારત અને યુ.કે.ની ડયૂલ સિટિઝન શિપ ધરાવતા એન.આર.આઇ. વડોદરામાં છેલ્લા સવા વર્ષથી ભાડાના ફ્લેટમાં રહેતા હતા
વડોદરા,ડયૂલ સિટિઝનશિપ ધરાવતા ૬૧ વર્ષના સિનિયર સિટિઝનને તુલસીધામ ચાર રસ્તા પાસે બાઇક ચાલકે ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં તેઓનું મોત થયું છે. માંજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જયેશભાઇ નવિનચંદ્ર પટેલ તેમના પરિવાર સાથે છેલ્લા ૨૦ વર્ષથી યુ.કે.માં સ્થાયી થયા હતા. તેઓ એકલા છેલ્લા સવા વર્ષથી વડોદરામાં માંજલપુર ખાતે ઇવા મોલની સામે પ્રાર્થના ફ્લેટમાં ભાડે રહેતા હતા. ગત તા.૨૬ મી એ તેઓ મોપેડ લઇને માંજલપુર તુલસીધામ પાસે શ્રીજીધામ ફ્લેટની સામેથી પસાર થતા હતા. તે સમયે રાતે ૧૧ વાગ્યે એક અજાણ્યા બાઇક ચાલકે તેઓને અડફેટે લેતા તેઓ ફંગોળાઇને રોડ પર ફેંકાયા હતા. તેઓને માથાના પાછળ, નાક તથા મોંઢા પર ગંભીર ઇજાઓ થઇ હતી. તેઓને બેભાન હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આઇ.સી.યુ.માં સારવાર લેતા ૬૧ વર્ષના જયેશભાઇનું આજે મળસ્કે સાડા ત્રણ વાગ્યે મોત થયું હતુું. તેઓના પરિવારને જાણ કરવામાં આવતા પરિવારજનો યુ.કે.થી વડોદરા આવવા રવાના થઇ ગયા છે. જયેશભાઇ યુ.કે. અને ઇન્ડિયાની ડયૂલ સિટિઝનશિપ ધરાવતા હતા. તેમના પિતરાઇ ભાઇની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. તુલસીધામ ચાર રસ્તા પાસે ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે અકસ્માત કરીને ભાગી ગયેલા બાઇક ચાલકની શોધખોળ શરૃ કરી છે. પરંતુ, હજીસુધી કોઇ આરોપી મળી આવ્યો નથી.