લોકો એલર્ટ થતાં હવે ઠગો IT,ED જેવા વિભાગોના નામે લોકોને ડરાવી રહ્યા છે
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇના કિસ્સાઓમાં સાયબર સેલ તેમજ અન્ય વિભાગો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી હોવાથી અનેક કિસ્સાઓમાં ઠગોને નિષ્ફળતા મળી રહી છે અને તેઓ જુદીજુદી તરકિબો બદલી રહ્યા છે.
અગાઉ ઓનલાઇન ઠગો દ્વારા કુરિયરના નામે,એટીએમ કાર્ડ બ્લોક થઇ જશે,શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આટલો ફાયદો થશે જેવા કારણો દર્શાવી ગ્રાહકોના બેન્ક એકાઉન્ટમાંથી રકમો ટ્રાન્સફર કરી લેવામાં આવતી હોવાના અનેક કિસ્સા બનતા હતા.
પરંતુ સાયબર સેલ દ્વારા સેમિનારો ઉપરાંત એનજીઓ મારફતે પણ લોક જાગૃતિ માટે ઝુંબેશ ચાલી રહી હોવાથી અનેક કિસ્સાઓમાં ઓનલાઇન ઠગોને નિષ્ફળતા મળી રહી છે.જેથી તેઓ વારંવાર નવી તરકિબો અજમાવી રહ્યા છે.
આજકાલ ઠગો દ્વારા ડિજિટલ એરેસ્ટ અને ઇન્કમટેક્સ,ઇડી જેવા વિભાગનો નામે દમદાટી આપવામાં આવી રહી છે.જ્યારે,કેટલાક ચોકસીઓને ચોરીનો માલ રાખ્યો છે,હમણાં તમને ઉઠાવવા પોલીસ આવી રહી છે..તેમ કહી ડરાવવામાં આવી રહ્યા છે.વાઘોડિયારોડના એક કિસ્સામાં જ્વેલર્સે પોલીસને નામે વાત કરનાર ઠગને દુકાને આવી જાવ હું રાહ જોવું છું તેમ કહેતાં ઠગો સમજી ગયા હતા અને કોલ કટ કરી દીધો હતો.