નામચીન યુસુફ કડિયાની આગોતરા જામીન અરજી નામંજૂર
આવા પ્રકારના ગુનામાં આગોતરા જામીન અપાય તો સમાજમાં વિપરીત અસર પડે
વડોદરા,હત્યાની કોશિશ અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં સામેલ મચ્છીપીઠના નામચીન યુસુફ કડિયાની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ તેના પુત્રની આ ગુનામાં ધરપકડ થઇ હતી.
રાજસ્થાનના મકરાણા ખાતે રહેતા માર્બલના વેપારી મો.નદીમ સગીર એહમદ ગેસાવતે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,વાસણા-ભાયલી રોડ પર અર્થ-૨૪માં બી ટાવરમાં પહેલા માળે રહેતા મારા મામા યુસુફ સિદ્દિકભાઇ શેખ પાસે મારા માસીના પુત્ર ઇમરાન ગેસાવત ૩૦ લાખ માંગતો હોવાથી તેની ઉઘરાણી માટે અમે યુસુફ કડિયાને ત્યાં આવ્યા હતા.
ત્યારે અરસદ બાપુએ મારા ગળા પર છરી મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને યુસુફ કડિયો તેના પરિવાર સાથે ઘરની બહાર નીકળી ગયો હતો. આ ગુનામાં છ મહિના ઉપરાંતથી નાસતા ફરતા યુસુફ કડિયા ( મૂળ રહે. મચ્છીપીઠ) એ આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલ અનિલ દેસાઇએ જામીન નામંજૂર કરવા માટે રજૂઆત કરી હતી. પોલીસનું સોગંદનામુ અને સરકારી વકીલની રજૂઆતો ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ આર.એચ.પ્રજાપતિએ આરોપીની અરજી નામંજૂર કરી છે. અદાલતે નોંધ્યું હતું કે, તપાસ ચાલુ છે. તેમજ આરોપીઓનો ગુનાઇત ભૂતકાળ ધ્યાને લઇ આરોપીની અરજી ગ્રાહ્ય રાખવી યોગ્ય જણાતી નથી. આવા પ્રકારના ગુનામાં આરોપીને આગોતરા જામીનથી રક્ષણ આપીએ તો તેની સમાજમાં વિપરીત અસર પડે તેમ છે.