છ મહિનાથી પોલીસને હાથ તાળી આપતા વડોદરાના નામચીન યુસુફ કડિયાએ આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી
Vadodara Court News : વડોદરામાં વાસણા-ભાયલી રોડ પર રહેતા નામચીન યુસુફ શેખ ઉર્ફે કડિયા પાસે ૩૦ લાખની ઉઘરાણી માટે આવેલા રાજસ્થાનના યુવકને યુસુફના કહેવાથી અરસદબાપુએ ગળે છરી મૂકી યુસુફ શેખને ત્યાંથી બહાર મોકલી આપ્યો હતો. આ ગુનામાં છેલ્લા છ મહિનાથી પોલીસને હાથ તાળી આપતા યુસુફે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે.
રાજસ્થાનના મકરાણા ખાતે રહેતા માર્બલના વેપારી મો.નદીમ સગીર એહમદ ગેસાવતે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,વાસણા-ભાયલી રોડ પર અર્થ-24માં બી ટાવરમાં પહેલા માળે રહેતા મારા મામા યુસુફ સિદ્દિકભાઇ શેખ પાસે મારા માસીના પુત્ર ઇમરાન ગેસાવત 30 લાખ માંગતો હોવાથી તેની ઉઘરાણી માટે અમે તા.1લીએ બપોરે યુસુફ કડિયાને ત્યાં આવ્યા હતા.
હું મારી માતા, મારા માસી, ઇમરાન અને ઇમરાનનો ભાઇ સરફરાજ યુસુફ શેખને ઘેર ગયા ત્યારે તેણે દરવાજો ખોલ્યો ન હતો અને અંદરથી જે થાય તે કરી લેજો તેમ કહ્યું હતું. જેથી અમે રૂપિયા બાબતે વાત ના થાય ત્યાં સુધી નીચે બેસી રહેવાનું નક્કી કર્યુ હતું.
તા.4થી એ વહેલી સવારે હું યુસુફમામાના દાદર પાસે બેઠો હતો અને માસીનો પુત્ર સરફરાજ નીચે બેઠો હતો. ત્યારે ચાર માણસો આવ્યા હતા. જેમાંથી ત્રણ જણા મારી પાસે આવ્યા હતા અને તે પૈકીના એક શખ્સે મારા ગળે છરી મૂકી કુછ ભી બોલના મત, વરના કાટ ડાલૂંગા..તેવી ધમકી આપી હતી. આ વખતે યુસુફ તેના પુત્ર અને પુત્રી સાથે ઘરમાંથી નીકળ્યો હતો અને છરી મુકનારને કહ્યું હતું કે,અરસદબાપુ, અગર જ્યાદા હોંશિયારી કરે તો સિકો કાટ દેના, મેં બૈઠા હું... સબ સંભાલ લૂગા. આ ફરિયાદને આધારે જે.પી.રોડ પોલીસે યુસુફ કડિયા અને અરસદ બાપુ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં છેલ્લા છ મહિનાથી નહીં પકડાયેલા આરોપી યુસુફ કડિયાએ આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. જેની વધુ સુનાવણી આગામી તા.23 મી એ હાથ ધરવામાં આવશે.