Get The App

વડોદરામાં મકરપુરાના નામચીન અક્ષય ઉર્ફે ડોન દ્વારા નિવૃત્ત આર્મી મેનના પુત્રને મારી નાંખવાની ધમકી આપી બે લાખની ખંડણીની માંગણી

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
વડોદરામાં મકરપુરાના નામચીન અક્ષય ઉર્ફે ડોન દ્વારા નિવૃત્ત આર્મી મેનના પુત્રને મારી નાંખવાની ધમકી આપી બે લાખની ખંડણીની માંગણી 1 - image

image : Freepik

- નિવૃત્ત આર્મીમેનના પુત્રને વારંવાર ધમકાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નામચીન અક્ષય ઉર્ફે ડોન દ્વારા બે લાખની ખંડણી માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વડોદરા,તા.23 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

વડોદરામાં મકરપુરા એરફોર્સ સ્ટેશન નજીક પાયલ પાર્ક સોસાયટીમાં રહેતો તુષાર કૌશિકભાઇ ભોલે દુબઇ ખાતે હોટલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. છેલ્લા ચાર મહિનાથી તે વડોદરા આવ્યો છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે નામચીન અક્ષય સોલંકી સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પપ્પા વર્ષ- 2019માં ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત્ત થયા છે. મે-2021 માં હું દુબઇ નોકરી કરવા માટે ગયો હતો. પરંતુ મોટા ભાઇની તબિયત નાદુરસ્ત હોવાથી હાલમાં હું વડોદરા આવ્યો છું. ફેબુ્આરી 2021માં મારા મિત્ર પ્રિન્સ મેકવાનની બર્થડે પાર્ટીમાં મારો પરિચય અક્ષય ઉર્ફે ડોન અશોકભાઇ સોલંકી (રહે. શિવમ પેરેડાઇઝ, મકરપુરા એરફોર્સની પાછળ) સાથે થયો હતો. 

ગત તા.20મી એ સાંજે સાત વાગ્યે હું પેટ્રોલ પુરાવીને ઘરે જતો હતો. તે સમયે સુશેન સર્કલ પાસે અક્ષય ઉર્ફે ડોન ઉભો હતો. તેણે મને રોકી મારી પાસેથી દારૂની બોટલ અને રૂપિયાની માંગણી કરી હતી. મેં ના પાડતા તેણે મને ચાકૂ બતાવી ધમકી આપી હતી કે, તારે રૂપિયા તો આપવા જ પડશે. નહીંતર તું જ્યાં દેખાઇશ ત્યાં તને મારી નાંખીશ. તેમજ એટ્રોસિટીના કેસમાં ફસાવી દઇશ. મેં ગભરાઇને મારી પાસેના એક હજાર રૂપિયા તેને કાઢીને આપી દીધા હતા. તેણે વધુ રૂપિયાની માંગણી કરી હતી. હું ઘરેથી રૂપિયા લઇને આવું છું. તેવું કહીને ત્યાંથી નીકળી ગયો હતો. બીજે દિવસે પણ અક્ષયે મને રોકીને મારી પાસે બે લાખની માંગણી કરી હતી. તેણે મને જાનથી મારી નાંખવાની ધમકી આપી કહ્યું હતું કે, મારા ઘરે આવીને રૂપિયા આપી જજે. નહીંતર તું જીવતો નહીં રહે. એટ્રોસિટીના કેસમાં ફસાવી દઇ તારો પાસપોર્ટ જપ્ત કરાવી દઇશ. તું દુબઇ પણ નહીં જઇ શકે.

દારૂની બોટલ માંગી રસ્તા વચ્ચે પગે લગાડતો હતો

તુષારે વધુમાં જણાવ્યું હતું કે, હું દુબઇ હોવાથી અક્ષય સાથે કોઇ સંપર્ક ન હતો. હાલમાં હું વડોદરા આવ્યો હોવાથી અક્ષય મને મળતો હતો. તે મને ધમકી આપીને કહેતો હતો કે, તારા પપ્પા આર્મીમાં હતા માટે તું મને દારૂની બોટલ આપ અથવા રૂપિયા આપ. નહીંતર મજા નહીં આવે. અક્ષય મને રસ્તા વચ્ચે રોકીને બળજબરીપૂર્વક નાણાંની માંગણી કરતો હતો અને મને પગે લગાડતો હતો. તેણે બળજબરી પૂર્વક મારી પાસેથી અત્યાર સુધી ટૂકડે-ટૂકડે 10 હજાર પડાવી લીધા હતા.


Google NewsGoogle News